સબ સે બડા ઓફ ૨૦૨૫ !

૨૦૨૫નું વર્ષ જ્યારે પતવા આવ્યું છે ત્યારે અમુક અનોખી ઘટનાઓ યાદ કરવા જેવી છે…

*** 

સબ સે બડા બ્રેક-અપ :
ના બોલીવૂડમાં કે ના હોલીવૂડમાં… સૌથી મોટું બ્રેક-અપ મહિલા ક્રિકેટમાં થયું ! રાત્રે વર્લ્ડ-કપ જીત્યા એ જ રાત્રે સ્ટેડિયમમાં સ્મૃતિ મંધાનાના બોયફ્રેન્ડે જાહેરમાં પ્રપોઝ કર્યુ…

પરંતુ ત્રણ ચાર દિવસમા તો સ્મૃતિના પપ્પાને હાર્ટ એટેક આવી ગયો ! પછી પેલા બોયફ્રેન્ડના બીજી કન્યાઓ સાથેના ફોટા વાયરલ થયા… અને છેવટે બ્રેક-અપ ! અરરે…

*** 

સબ સે બડા સસ્પેન્સ :
આસામના ગાયક ઝુબિન ગર્ગનું મોત શી રીતે થયું ? એનાથી પણ મોટું સસ્પેન્સ, જે હજી સુધી નથી ખુલ્યું… કે પેલા જસ્ટિસ વર્માના ઘરમાંથી સળગેલી લાખોની કરન્સી નોટો કોની હતી ? અને ક્યાંથી આવી ? અને….

… એ આખી ‘કૅશ’ના આખા ‘કેસ’નું શું થયું ?


*** 

સબ સે બડા શસ્ત્રવિરામ :
ભલે ટ્રમ્પ સત્તર વાર કહી ગયા કે એ યુધ્ધ મેં ‘બંધ’ કરાવ્યું છે પણ ભારત સતત કહે છે કે આ તો માત્ર ‘શસ્ત્રવિરામ’ છે. હવે જોવાની વાત એ છે કે આ ‘શસ્ત્રવિરામ’નો તો વર્લ્ડ રેકોર્ડ બની રહ્યો છે ! … આજે ૨૨૮ દિવસ થયા, બોસ !

*** 

સબ સે બડા કપ :
એવો તે કેવો હીરા-મોતી ટાંકેલો કપ હોય ? કે જેને બીજા દેશના સંરક્ષણ પ્રધાન ઉઠાવીને પોતાના ઘરે લઈ જાય ? અને પાછો આપવાની ધરાર ના પાડે !

એ છે ૨૦૨૫નો એશિયા કપ ! હજી ભારતને મળ્યો નથી…

*** 

સબ સે બડા જોક :
કુણાલ કામરાએ મહારાષ્ટ્રના નેતા શિંદે માટે કોઈને જરાય હસવું ના આવે એવો જે જોક મારેલો તેની ખાસ્સી બે મહિના પછી ‘ટ્યુબલાઈટ’ થતાં તોડફોડ તો થઈ જ… 

ઉપરથી મિડીયામાં વાયરલ થતાં આખા દેશમાં એ ‘જોક’ ફેલાઈ ગઈ ! વેરી ફની નો ?

***

- મન્નુ શેખચલ્લી

Comments