એકતા કપૂર 'શોલે' બનાવે તો ?

પચાસ વરસ પછી ‘શોલે’ ફરી રિલીઝ થયું છે. પરંતુ જરા વિચારો, આજના રિ-મેક, રિ-મિક્સ અને સિકવલના જમાનામાં જો એકતા કપૂર ફરીથી ‘શોલે’ બનાવે તો ?

*** 

‘હોલી કે દિન દિલ ખીલ જાતે હૈં…’ આ હોળીનું ગાયન ચાલી રહ્યું છે. 

ગાયનમાં બસંતી, મૌસી, કોમોલિકા, પ્રેરણા, અર્ચના, પ્રજ્ઞા, સંધ્યા, અનુપમા, અક્ષરા, સિમરન વગેરેની સાથેસાથે તુલસી (જે જયા બચ્ચનની જગ્યાએ છે) ઉપરાંત રામગઢની દોઢસો બહુઓ અને પચાસેક સાસુઓ રંગબિરંગી કપડાં પહેરીને ગુલાલ ઉછાળતાં ડાન્સ કરી રહી છે !

એવામાં ગબ્બર અને એના ડાકુઓ ઘોડા ઉપર ધમાકાભેર ધસી આવે છે… બંદૂકો વડે હવામાં ફાયરિંગ કરે છે… છતાં બધી સ્ત્રીઓ ડાકુઓ તરફ જોતી પણ નથી ! અને બીજી જ દિશામાં હરખપદૂડીઓ થઈને દોડી રહી છે !

ગબ્બર પૂછે છે ‘ઈ કા હો રહા હૈ ! સબ ઔરતેં ઉંહાં કાહે ભાગ રહી હૈ ?’

સાંબા કહે છે ‘સરકાર ! ઉહાં તૂસાર કપૂર આયા હૈ ! લગતા હૈ આજ હોલી કા સ્પેશીયલ એપિસોડ હૈ !’

*** 

ભરબપોરનો સીન છે. ઠાકુરની હવેલીમાં તુલસી (જે જયા બચ્ચનની જગ્યાએ છે) તે વારાફરતી એક પછી એક ફાનસો સળગાવી રહી છે !

આ જોઈને બહારગામથી આવેલો જય નવાઈ પામી જાય છે. તે રામુકાકાને પૂછે છે : ‘આ તુલસી આમ ભરબપોરે કેમ દીવાબત્તી કરે છે ?’

‘જવા દોને ભૈશાબ ! આખી સ્ટોરી કહેવા બેસું તો ૫૦૦ એપિસોડ થશે. પણ શોર્ટમાં કહું તો જ્યારે ગબ્બરે ઠાકરુના ફેમિલીને ગોળીથી વીંધી નાંખેલું ત્યારે તુલસીનો પતિ ઘાયલ જ થયો હતો, પરંતુ આઘાતને લીધે તુલસીની યાદદાશ્ત જતી રહેલી…

એ પછી તુલસીનો પતિ કોમામાં જતો રહ્યો… પછી તુલસીનાં બીજાં લગ્ન થયાં… પણ માત્ર ૧૦૦ એપિસોડમાં છૂટાછેડા થઈ ગયા… એ પછી તુલસીને ત્રીજા એક નવા બજાજ સાથે પ્રેમ થઈ રહ્યો છે… 

પણ પેલી બાજુ પહેલો પતિ કોમામાંથી બહાર આવી ગયો છે ! આમાં ને આમાં તુલસીને ડિપ્રેશન થઈ ગયું છે ! એટલે તે ભરબપોરે ફાનસ સળગાવતી ફરે છે…’

‘હા, પણ તુલસીનો પહેલો પતિ એની સામે કેમ નથી આવતો ?’

‘અરે ભૈશાબ, હું જ તુલસીનો પહેલો પતિ છું ! પ્લાસ્ટિક સર્જરી કરાવીને રામુકાકા બન્યો છું ! જેથી તુલસીનું ધ્યાન રાખી શકું… પણ એકતા કપૂર કહે છે કે જ્યાં સુધી તુલસીની યાદદાશ્ત પાછી ના આવે ત્યાં સુધી મારે રામુકાકા જ રહેવાનું છે ! બોલો…’

***

- મન્નુ શેખચલ્લી

Comments