એ વખતે જ્યારે ‘રૂપ તેરા મસ્તાના’ થિયેટરોમાં ચાલતી હતી ત્યારે શહેરમાં જોરદાર ઉત્તેજના હતી કે ‘બોસ, આ પિક્ચરના એક ગાયનમાં મુમતાઝ સત્તર ડ્રેસ બદલે છે !’
‘સત્તર ડ્રેસ’વાળું એે ગાયન હતું : ‘દિલ કી બાતેં, દિલ હી જાને…’ જોકે એ જમાનામાં યુ-ટ્યુબ કે ઓટીટી હતાં નહીં એટલે ગાયન અલગથી જોવા મળતું નહોતું. કેમકે ગાયનમાં તો મુમતાઝ ચાર જ ડ્રેસ બદલે છે ! (જિતેન્દ્રના બીજા ચાર ગણો તો ટોટલ આઠ જ થાય.)
છતાં બોસ, એ વખતે કોઈએ પિકચર છૂટ્યા પછી ફરિયાદ કરી નહોતી કે ‘બાકીના તેર ડ્રેસના પૈસા પાછા આપો !’ (કોઈ કન્ઝ્યુમર પ્રોટેક્શનવાળાએ પણ લાંચ નહોતી માંગી.) આનું કારણ શું ?
કારણ કે બોસ, મુમતાઝનું રૂપ ‘કન્ઝ્યુમ’ કરનારો પ્રેક્ષક માત્ર પોણા બે કે સવા બે રૂપિયાની ટિકીટમાં પુરેપુરો તર-બ-તર થઈને બહાર નીકળતો હતો ! હકીકતમાં જોવા જાવ તો મુમતાઝ આ ફિલ્મમાં જેવી લાગે છે એટલી ખુબસુરત બીજી કોઈ ફિલ્મમાં આજ સુધી લાગી નથી. (‘અપરાધ’માં પણ નહીં, ભલે ફિરોજખાને મુમતાઝને ચડ્ડી જેવડું સ્કર્ટ પહેરાવ્યું હોય !)
***
રહી વાત પેલા સત્તર ડ્રેસની, તો મુમતાઝના આશિકો લખી લો, આખી ફિલ્મમાં મુમતાઝે એકથી એક ચઢિયાતા હોય એવા કુલ ૩૩ ડ્રેસ પહેર્યા છે. (એમાં શરૂઆતમાં જે સિમ્પલ સાડી પહેરી છે એ તો ગણતા જ નથી. જોકે એમાંય ‘મુમુ’ કેટલી મસ્ત લાગે છે ?)
***
એ જમાનામાં ‘મુમુ’ યાને કે મુમતાઝના આશિકો ગલીએ ગલીએથી મળી આવતા હતા. એમાંનો એક કોલેજમાં મારી સાથે ભણતો હતો. એણે ‘રૂપ તેરા મસ્તાના’ કેટલી વાર જોઈ તેનો હિસાબ રાખવાનો જ છોડી દીધેલો !
મુમતાઝના એ આશિકનું મુમતાઝની દરેક ફિલ્મના હિસાબે ‘કેળા રેટિંગ’ રહેતું હતું ! તમે પૂછશો કે મન્નુભાઈ, આ ‘કેળાં રેટિંગ’ વળી શું છે ?
તો દોસ્તો, જે રીતે અમુક રિવ્યુકારો ‘એક મિર્ચી, બે મિર્ચી…’ વગારે આપીને જે તે ફિલ્મમાં કેટલાં ‘મરચાં લાગવાનાં’ છે એવી વોર્નિંગ આપવાને બદલે ‘જેટલી મિર્ચી વધારે એટલી ફિલ્મ સારી’ એવું ગણાવતા હોય છે, એ જ રીતે, અમારો આ મિત્ર જે તે ફિલ્મમાં મુમતાઝ કેટલી ખુબસુરત, ગ્લેમરસ, મારકણી કે જાલિમ લાગે છે એ હિસાબે એ ફિલ્મ જોઈ આવ્યા પછી, રીતસર, એટલાં કેળા ખરીદીને ખાઈ જતો હતો !
‘રૂપ તેરા મસ્તાના’ જોયા પછી તો તે દર વખતે છ-છ કેળાં દબાવી જતો હતો. બોલો ! (હવે કેળાં ખાધા પછી તો તે શું કરતો હતો તે કદી જાણવા મળ્યું નહીં !)
***
મુમતાઝને આટલી ગ્લેમરસ બતાડતાં આટલા મસ્ત મસ્ત ડ્રેસ કંઈ કે.બી. ડ્રેસવાલાને ત્યાંથી ભાડે તો નહીં જ લાવ્યા હોય ને ? એ વખતે ફિલ્મની શરૂઆતમાં મોટા મોટા અક્ષરોમાં જે ‘નંબરિયાં’ પડતાં એમાં તે વખતે તો આપણું ધ્યાન જ ક્યાંથી હોય ? પરંતુ હમણાં ફરતી ફિલ્મ જોઈત્યારે દેખાયું એ નામ… ‘ભાનુ !’ આ ‘ભાનુ’ કોણ ? તો મારા સાહેબો, એ જ ભાનુ અથૈયા જેને ‘ગાંધી’ ફિલ્મના કોસ્ચ્યુમ્સ માટે ઓસ્કાર મળ્યો હતો !
પણ ઊભા રહો. અહીં ભાનુબેન માટે તો ખાસ અલગ ક્રેડિટ છે : ‘કોસ્ચ્યુમ્સ ફોર મુમતાઝ !’ એ ઉપરાંત પણ મુમતાઝના રૂપને વધારે ‘મસ્તાના’ બનાવનારી બીજી બે મહિલાઓની ક્રેડિટ છે : ‘હેર સ્ટાઈલ્સ ફોર મુમતાઝ… ગીતા-ફ્લોરી’.
અને હેરસ્ટાઈલો તો કેવી કેવી છે ભૈશાબ ! બિચારી હેમામાલિનીનું કપાળ મોટું હતું એટલે આખી કેરિયર દરમ્યાન કપાળ પર વાળની નકલી લટોની જે ‘ક્લિપ’ લગાડવી પડતી હતી એવી ‘ક્લિપો’ની તો અહીં પોણો ડઝન વેરાયટી છે !
આ ઉપરાંત માટલાં જેવી સાઈઝના અંબોડા ઉપરથી લટકતી, વિવિધ વળાંકો અને સાઈઝો ધરાવતી, મોટી મોટી લટો તો ખરી જ ! (લાગે છે કે એક એક હેરસ્ટાઈલ રેડી થાય ત્યાં લગીમાં કમ સે કમ બે ડઝન પિનો ખોસવી પડતી હશે અંબોડામાં !)
***
તમને થતું હશે કે યાર, આ મન્નુભાઈ તો મુમતાઝની આજુબાજુ જ ગરબા રમી રહ્યા છે ! પણ અમારા પેલા ‘કેળાં રેટિંગ’વાળા મિત્રના શબ્દોમાં કહું તો ‘મુમતાઝના આખા ગ્લેમરનું સિક્રેટ શું છે, ખબર છે ?
‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’માં ઝિનત અમાને જે આખી ફિલ્મમાં રીતસર ઉઘાડું કરીને દેખાડ્યું હતું, જેના કારણે ચીતરી ચડી જતી હતી, એ જ ચીજ મુમતાઝે આ ફિલ્મમાં માત્ર ત્રણ વાર દેખાડી છે ! એ પણ માંડ બબ્બે સેકન્ડ માટે ! કેમકે એની ઉપર કાં તો વાળની લટ આવી જાય છે, અથવા મુમતાઝનો હાથ આડો આવે છે…! યાઆઆર… ફક્ત એટલું જોવા માટે ફરીથી ટિકીટ લેવી જ પડે ને !’
***
ખેર, આખી ફિલ્મમાં માત્ર મુમતાઝનું ગ્લેમર છે એવું નથી. ફિલ્મના સેટ પણ એટલા જ ભવ્ય અને શાનદાર છે. આમ જોવા જાવ તો ૮૦ ટકા ફિલ્મ એક મહેલમાં જ છે પરંતુ માત્ર એક-બે સેટમાં પતાવી દીધું નથી ! લગભગ દરેક દૃશ્યે સેટિંગ્સ બદલાય છે (અને બીજી ફિલ્મો જેવું જ પૂંઠા પર ચીતરામણ જેવી વેઠ તો જરાય નથી.) તેની ક્રેડિટ આપવી જોઈએ આર્ટ ડિરેક્ટર ‘વી. જાધવ રાવ’ને !
એ જ રીતે માત્ર મુમતાઝ નહીં, આખેઆખી ફિલ્મને ગ્લેમરસ લુક આપનાર સિનેમેટોગ્રાફર ‘વી. દુર્ગાપ્રસાદ’ તો ખરા જ. પરંતુ તે ઉપરાંત અહીં એક અલગ ક્રેડિટ આપી છે : ‘કલર કન્સલ્ટન્ટ : લોરેન્સ રોડ્રીક્સ’ ! (આ કલર કન્સલ્ટન્સી ફિલ્મના પ્રોસેસિંગ બાબતે હોય છે.)
***
બસ, નવાઈ તથા અફસોસ એક જ વાતે થાય છે કે આખી ફિલ્મને ડિરેક્ટ કરનાર જે ‘ખાલીદ અખ્તર’ નામની વ્યક્તિ છે, એ આ ફિલ્મ પછી ક્યાંય દેખાઈ કે જણાઈ નહીં !
***
ફિલ્મની જાણી અજાણી વાતો...
* ‘દિલ કી બાતેં…’ ગાયનના શૂટિંગ વખતે મુમતાઝના આકર્ષક ડ્રેસિસ જોઈને જિતેન્દ્રએ જીદ કરી હતી કે મને પણ સારાં કપડાં જોઈએ !
* ‘બડે બેવફા હૈં યે…’ ગાયનમાં માત્ર થોડા શોટ્સ પુરતી અરૂણા ઈરાની દેખાય છે, તેને મહેલની સ્ટાફ-મેમ્બર બતાવાઈ છે. પરંતુ એ સિવાય આખી ફિલ્મમાં તે ગાયબ છે !
* ‘રૂપ તેરા મસ્તાના’નાં ટાઈટલ્સ વખતે એક ઇંગ્લીશ ગાયન વાગી રહ્યું છે જેમાં અવાજ બિલકુલ ઉષા ઉત્થુપ (એ સમયે ઉષા ઐયર) જેવો છે પરંતુ ક્રેડિટમાં ક્યાંય ઉલ્લેખ નથી.
* સુપરહિટ ગાયનો, ભવ્ય સેટ્સ તથા જાણીતા સ્ટાર્સ હોવા છતાં ‘રૂપ તેરા મસ્તાના’ ફ્લોપ હતી ! જોકે બે ત્રણ વરસ પછી ફરી રીલિઝ થઈ ત્યારે સારી ચાલી હતી.
* છતાં એક સરવે મુજબ મુમતાઝના આશિકો ‘રૂપ તેરા મસ્તાના’ને મોસ્ટ ‘બ્યુટિફૂલ’ ફિલ્મ ગણાવે છે !
***
- મન્નુ શેખચલ્લી
बडो मजो आयो बाबा,बडो मजो आयो, वड्डी मुमुनेने इतना ड्रेस पहेनीया तो लेख इतनो सुंदर,तो न पहेन्या होत तो ??😁😁
ReplyDeleteરૂપ તેરા મસ્તાના ફિલ્મનું જોરદાર અવલોકન.. મુમતાજ ને જોવા જવાની ઈચ્છા થાય એવું.. લેખકને અભિનંદન 🌹
ReplyDelete