ગાયનો જુનાં... વિડિયો નવા !

આજે એઆઈ વડે તમે કંઈ પણ બનાવી શકો છો. જોકે મજા ત્યારે આવે જ્યારે જુનાં ગાયનો લઈને એની ઉપર એઆઈ વડે નવા વિડીયો બનવા લાગે !
જેમ કે –

*** 

ગાયન : ‘મૈં ચાહે યે કરું, મૈં ચાહે વો કરું… મેરી મરજી !’

વિડીયો : આ ગાયન ટ્રમ્પ ગાઈ રહ્યા છે ! ઘડીકમાં એ ગુલાંટ મારે છે, તો ઘડીકમાં યુ-ટર્ન મારે છે ! ઘડીકમાં મુનીરના ગાલ ચૂમી લે છે તો ઘડીકમાં નવાઝ શરીફને લાત મારીને હવામાં ઉછાળે છે…

*** 

ગાયન : ‘મૈં તેરી દુશ્મન, દુશ્મન તૂ મેરા, મૈં નાગિન તૂ સપેરા…’

વિડીયો : મમતા બેનરજી લાલચોળ આંખો કરીને નાગિન ડાન્સ કરી રહ્યાં છે ! (શ્રીદેવીની જગ્યાએ) અને સામે અમરીશ પુરીને બદલે મોદીજી ગાલ ફૂલાવીને, ડોળા કાઢી કાઢીને બીન વગાડી રહ્યા છે. (બીન પર લખ્યું છે એસઆઈઆર)

*** 

ગાયન : ‘નન્હા મુન્હા રાહી હું, દેશ કા સિપાહી હું, બોલો મેરે સંગ..'

વિડીયો : તમે આગળ વાંચો એ પહેલાં જ તમે કલ્પના કરી લીધી લાગે છે ! જી હા, વિડીયોમાં રાહુલબાબા બોય સ્કાઉટનાં શર્ટ-ચડ્ડી પહેરીને પદયાત્રા કરવા નીકળી પડ્યા છે ! અને પાછળ પાછળ કોંગ્રેસીઓ મંજીરાં વગાડતાં નાચી રહ્યા છે…

*** 

ગાયન : ‘જો તુમ કો હો પસંદ, વોહી બાત કરેંગે… તુમ દિન કો અગર રાત કહો, રાત કહેંગે…

વિડીયો : બીસીસીઆઈના ચેરમેન જય શાહ ગૌતમ ગંભીર આગળ ઘુંટણિયે પડી ગયા છે ! પણ ગૌતમ ગંભીર હજી તોબરો ફૂલાવીને બેઠો છે…

*** 

ગાયન : ‘યા ઈલાહી યે માજરા ક્યા હૈ, આખિર ઇસ દર્દ કી દવા ક્યા હૈ ?’

વિડીયો : ડીજીસીએ અને ઇન્ડિગો બન્ને એકબીજાની સામે આંખો નચાવતા બેઠા છે અને બંને એકબીજાને આ એક જ સવાલ પૂછી રહ્યા છે ! જ્યારે ‘દર્દ’ તો પેસેન્જરોને થઈ રહ્યું છે…

***

- મન્નુ શેખચલ્લી

Comments