ભારતના 'હવા-હવાઈ' ઈન્ડેક્સ !

કેન્દ્ર સરકારે જાહેરમાં કહ્યું છે કે આખા વર્લ્ડમાં લાગુ પડતા હોય એવાં કોઈ એક્યુઆઈ (એર ક્વોલીટી ઇન્ડેક્સ) છે જ નહીં ! એટલે હવે ભારતે પોતાનો એક્યુઆઈ નક્કી કરવો જોઈએ !

આ તો વરસો પહેલાં આપણે ગરીબી રેખાને ઢીલી મુકીને નીચે ઉતારી દીધી હતી એવું જ થયું ને ?

જોકે અમારા હિસાબે ભારતમાં સાવ નવા જ પ્રકારના ઇન્ડેક્સની જરૂર છે. જેમકે…

*** 

વિકાસ’ની હવા :
ભારત એક વિકાસશીલ દેશ છે. એમાંય ૨૦૧૪ પછી તો વિકાસની ગતિ પણ વધી ગઈ છે. એટલે જ્યાં જ્યાં દેશનો વિકાસ વધારનારી ફેકટરીઓ હોય ત્યાંની હવાનું ‘વિકાસશીલ હવા’ એવું નામકરણ કરવામાં આવશે.

*** 

‘હવામાં’ વિકાસ :
એ જ રીતે જ્યાં જ્યાં હથેળીમાં ચાંદ બતાડનારાં શીલારોપણો, લોકાર્પણો, ઉદ્‌ઘાટનો અને ૨૦૪૦ સુધીમાં શુંનું શું કરી નાંખવાના છીએ એવા પ્રોજેક્ટોના વિસ્તારની હવાને ‘હવા-હવાઈ’નું બિરૂદ આપવાનું છે.

*** 

ઓટો-ક્રાંતિ’ હવા :
ભારતનો ઓટોમોબાઈલ ઉદ્યોગ કૂદકે ને ભૂસકે છલાંગ મારતો એટલી હદે વધી ગયો છે કે હવે રોડ ઉપર વાહનો ચલાવવની જ જગ્યા રહેવની નથી ! આ વાહનોના ધૂમાડાને કારણે જે હવા પ્રદૂષિત થાય છે તેનાથી ડરવાને બદલે હવે આ ‘ઓટો-ક્રાંતિ’ હવાનું આપણે ગર્વ લેતા થઈ જઈશું !

*** 

‘કિસાન-ભારત’ હવા :
ખેડૂતો આ દેશની વોટબેન્ક છે. એમને છંછેડવાને બદલે એમને લોનમાફી, સબસીડી, કરમાફી, લ્હાણી… બધું જ આપવાનું છે. આમાં જો દિલ્હી-હરિયાણાના ખેડૂતો પરાળી બાળતા હોય તો એ હવાનું નામ જ ‘કિસાન ભારત હવા’ કરી નાંખવાનો તમામ પ્રોબ્લેમ દૂર થઈ જશે.

*** 

ગ્રીન’ હવા :
જો ગ્રીન એનર્જીના નામે અબજો રૂપિયાના પ્રોજેક્ટો બનતા હોય અને કરોડો રૂપિયાની કર-રાહત મળતી હોય તો ‘ગ્રીન હવા’માં વળી શું ધાડ મારવાની છે ? જે કારખાનાં બંધ પડી ગયાં છે, તથા જે કારખાનાં કાગળ સિવાય ક્યાંય બન્યાં જ નથી એ બિચારાં તો એર ઇન્ડેક્સને બગડતો અટકાવી જ રહ્યાં છે ને ?એટલે એમના માટે પણ અબજો રૂપિયા.. (આવશે ક્યાંથી ? અરે ભઈ, હવામાંથી !)

***

- મન્નુ શેખચલ્લી

Comments