નુક્તેચીની એટલે ટીકા, ટીપ્પણી, કોમેન્ટ યાને કે સળી ! જુઓ…
***
ન્યુઝ :
એચવનબી વિઝા માટે અરજી કરનારે હવે તેમના પોતાનાં સોશિયલ મિડીયા એકાઉન્ટો ‘પ્રાયવેટ’ નહીં, પણ સરકાર વાંચી શકે તેમ ‘પબ્લિક’ રાખવાં પડશે !
નુક્તેચીની :
ભારતમાં આવું થાય તો તેને ‘ફ્રીડમ ઓફ સ્પીચ’ ઉપર ‘તાનાશાહી’ સરકારનું ‘કિન્નાખોરીભર્યું’, ‘આક્રમક’, ‘ઘૃણાસ્પદ’ અને ‘શરમજનક’ પગલું કહેવાય.. પરંતુ અમેરિકામાં એવું થાય તો…
તો ભારતના બુદ્ધિજીવીઓને શું ? હેં ?
***
ન્યુઝ :
અફઘાનિસ્તાનમાં એક હત્યારાને મૃત્યુદંડની સજા અપાતી જોવા માટે એક સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં ૮૦ હજાર લોકો હાજર રહ્યા.
નુક્તેચીની :
તાલિબાની સરકાર માટે આ પ્રજાના મનોરંજનની સૌથી સસ્તી, સૌથી લોકપ્રિય અને સૌથી રોમાંચક ‘સ્પોર્ટ્સ’ થઈ જવાની છે !
આને ઉત્તેજન આપવા માટે તાલિબાન સરકાર શું કરશે ?
વધુ હત્યારાઓને વધુ હત્યાઓ કરવાની છૂટ આપશે ?
***
ન્યુઝ :
જર્મનીમાં મેટ્રો ટ્રેનમાં એક ભારતીય યુવકની બાજુમાં એક જર્મન એકટ્રેસ બેઠી હતી તેની ભારતીય યુવાનને ખબર જ નહોતી. બોલો !
નુક્તેચીની :
અલ્યા, ભારતીય યુવાન થોડી જર્મન મુવીઝ જોતો હોય ? પણ ભાઈ, ટ્રેનના બીજા મુસાફરો પણ કેટલા ડફોળ કે એ અભિનેત્રીને ઓળખીને એની સાથે સેલ્ફી લેવા માટે પણ ન આવ્યા ?
કે પછી એ અભિનેત્રી પોતે જ એટલી ફાલતુ હતી કે…
***
ન્યુઝ :
પંચમહાલના એક ગામના તલાટીએ એક જ વરસમાં બે હજાર કપલોનાં લગ્નની નોંધણી કરી આપી !
નુક્તેચીની :
મને એક વાતનો જવાબ આપો…વિદેશમાં વેલેન્ટાઈન નામના સંત આ જ કામ કરતા હતા ને ? એમના નામે તો આખો ‘વેલેન્ટાઈન ડે’ ઉજવાય છે !
તો આ તલાટીનો શું વાંક ? એમને તો ‘દેશી વેલેન્ટાઈન’નો ખિતાબ એનાયત થવો જોઈએ… શું કહો છો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment