એવું કેમ લાગે છે...?

અમુક સમાચારો વાંચીને દિમાગમાં કંઈ જુદી જ ઘંટડી વાગતી હોય છે ! દાખલા તરીકે…

*** 

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમના આયોજન માટે ૫૦,૦૦૦ કરોડ રૂપિયામાં ખર્ચવામાં આવશે.

છતાં, એવું કેમ લાગે છે કે આ ખુશખબર માત્ર સરકારી કોન્ટ્રાક્ટરો માટે જ છે ?

*** 

ગુજરાતમાં વધુ એક શિક્ષકનું બીએલઓ કામગીરીના દબાણને કારણે હાર્ટફેલ થયું.

અહીં એવું કેમ લાગે છે કે આના કરતાં તો પેલા જે ડીજીટલ એરેસ્ટ કરીને ધમકાવે છે એ બિચારા ભલા છે !

*** 

ગુજરાતી ફિલ્મ ‘લાલો’ બોક્સ ઓફિસ પર ગજબના રેકોર્ડ તોડી રહી છે.

સારું છે પણ એવું કેમ લાગ્યા કરે છે આ બધું ‘સૈયારા’ જેવું જ ચાલ્યું છે ?

*** 

બૂટલેગરો સાથે સાંઠગાંઠના આક્ષેપો પછી પોલીસના પરિવારજનોએ જાહેરમાં ઠેર ઠેર રેલીઓ કાઢી.

આમાં એવું કેમ લાગ્યા કરે છે કે અહીં ઇજ્જત બચાવવા કરતાં હપ્તા બચાવવાની ચિંતા વધારે છે ?

*** 

એહમદ પટેલના પુત્રએ કોંગ્રેસથી છેડો ફાડીને પોતાની અલગ પાર્ટીની સ્થાપના કરી.

સાલું… એવું કેમ લાગ્યા કરે છે કે ભાજપમાં જોડાવા માટેનો આ નવો રૂટ છે ?

*** 

ટ્રમ્પ કહે છે કે હવે અમેરિકામાં આવવા માટે ત્રીજા વિશ્વના લોકોને વિઝા આપવામાં નહીં આવે.

હં… એવું કેમ લાગે છે કે ટ્રમ્પ પોતે કોઈ બીજા વિશ્વમાં જીવી રહ્યા છે ?

*** 

એઆઈ આવ્યા પછી અમેરિકામાં ૧૨ ટકા નોકરીયાતો બેકાર થઈ જશે.

હાશ… એવું કેમ લાગે છે કે ઇન્ડિયાના લોકોમાં અમેરિકાની ઘેલછા ઘટી રહી છે તે સારું જ છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments