ભારતની યુવાન દિકરીઓ ક્રિકેટનો વર્લ્ડકપ જીતી લાવી એ તો જોરદાર વાત છે, પરંતુ શું એનાથી ભારતની મહિલાઓ ક્રિકેટ જોતી થઈ જશે ?
વાતમાં માલ નથી ! પરંતુ હા, જો ગેમમાં અમુક ફેરફારો કરવામાં આવે તો…? સાંભળો મહિલાઓની જ ફરિયાદો !
***
એક તો આ છોકરીઓ જરાય મેકપ કેમ નથી કરતી ? છ-છ કલાક લગી ટીવીમાં મોઢાં દેખાવાનાં છે, છતાં સાવ આવી જ હાલી આવે છે ?
***
બીજું, બધી છોકરીઓનાં કપડાં તો જુઓ ? અરે, છોકરાઓને ડ્રેસિંગની કશી સેન્સ ના હોય એટલે શું આપણે પણ લફડ-ફફડ ટીશર્ટો અને ટ્રાઉઝરો પહેરીને આવી જવાનું ?
***
અને બધી મેચમાં એકનાં એક જ કપડાં ? એકનો એક જ કલર?
આનાં કરતાં તો ટીવી સિરીયલોની કામવાળીઓમાં કપડાં વધારે વરાયટી હોય છે !
***
અચ્છા, માન્યું કે દરેક ટીમનો અલગ કલર હોવો જોઈએ. પણ એનો મતલબ એમ થોડો હોય કે બધી છોકરીઓએ સેમ-ટુ-સેમ ઢંગધડા વિનાનાં ટી-શર્ટ ટ્રાઉઝરો પહેરવાનાં ? એમાં કંઈ વેરિયેશનો તો હોય કે નહીં ?
દાખલા તરીકે અમે કિટી પાર્ટીઓમાં એકવાર ‘ઓલ બ્લુ’ની થિમ રાખીએ છીએ, કોઈવાર ‘ઓલ યલો’ની થિમ હોય છે… તો એ રીતે એક ટીમનો એક કલર ભલે હોય પણ એમાં અલગ અલગ ફેશનો તો હોવી જ જોઈએ ને ?
બધામાં ‘પુરુષ સમોવડાં’ના થવાનું હોય !
***
એવું જ હેર-સ્ટાઈલનું છે. પેલી દિપ્તી શર્મા ભલે પ્લેયર ઓફ ધ સિરીઝ બની છે, પણ છેલ્લાં ત્રણ વરસથી એની હેર-સ્ટાઈલમાં કોઈ ચેન્જ જ નથી ! તો પછી ટીવીમાં અમારે જોવાનું શું ?
અરે, આપણી કેપ્ટન હરમનપ્રીત કૌર તો છેલ્લા ચાર વરસથી સાવ સાદી પોની ટેલ બાંધીને આવી જાય છે ! પોતાના હેર-બેન્ડનો કલર પણ નથી બદલતી ! શું આવી હોય મહિલા કેપ્ટન?
***
અને હા, દરેક મેચના અંતે છોકરીઓને પાણીપુરી તો આપવી જ જોઈએ ! નારી શક્તિ ઝિંદાબાદ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment