દેશમાં જીએસટીના દર ઘટાડવા છતાં ઓક્ટોબર મહિનામાં અધધ ૧.૯૬ લાખ કરોડની આવક થઈ છે. આ જોતાં અમને લાગે છે કે નિર્મલાજીએ ‘જીઈટી’ નામનો નવો ટેક્સ પણ નાંખી દેવા જેવો છે !
જીઈટી યાને કે ગ્રાન્ડ એન્ટરટેઇનમેન્ટ ટેક્સ ! જેમાં…
***
ફિલ્મો, ટીવી, નાટકો વગેરે ઉપર તો મનોરંજન વેરો છે જ, પણ આ નેતાઓ જે રોજેરોજ આપણું મનોરંજન કરે છે એમનું શું ?
***
એટલે તમામ ન્યુઝ ચેનલો ઉપર જીઈટી નાંખો ! ખાસ કરીને જે ચેનલમાં બૂમાબૂમ, ઘાંટાઘાંટી અને ખાસ તો… હાથોહાથની મારામારી થઈ જતી હોય !
***
એ જ રીતે જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે નેતાઓ જે એકબીજા પર કાદવ ઉછાળે છે એ મનોરંજન ઉપર પણ ટેક્સ લેવાનું રાખો !
***
ખાસ તો જ્યારે જ્યારે પાર્ટીઓ પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડે છે એ તો બેહદ મનોરંજક હોય છે ! એને પણ જીઈટીમાં આવરી લો !
***
એ જ રીતે નેતાઓ જે રોડ-શો કરવા માટે ભીડ ભેગી કરે છે, ઢોલ શરણાઈ વગડાવે છે, સ્પીકરો વડે ગાયનો માથે મારે છે અને કલાકો સુધી ટ્રાફિક જામ કરે છે… એ ત્રાસદાયક મનોરંજન ઉપર પણ જઈટી ફટકારો !
***
એમ તો સરકારી અક્કલનાં પ્રદર્શન સમાન જે બ્રિજો બને છે. કોઈ બ્રિજની આજુબાજુ રોડ જ ન હોય, કોઈ બ્રિજ પુરો થાય ત્યાં દિવાલ હોય, કોઈ બ્રિજનો વળાંક ૯૦ ડીગ્રીનો હોય… તો કોઈ બે સામસામા બ્રિજ વચ્ચે બબ્બે મીટરનો ગેપ રહી ગયો હોય !
આ મનોરંજન નથી તો બીજું શું છે ?
***
અરે જાહેરમાં જાદૂના પ્રયોગો થતા હોય છે ! જેમકે મનરેગાના બજેટમાંથી રોડ બને છે, પણ એ રોડ જાદૂઈ રીતે જમીન પરથી અદ્રશ્ય થઈ જાય છે ! માત્ર કાગળ ઉપર જ જોઈ શકાય છે ! તો ભરી જીઈટી…
***
જોકે આમાં જ્યારે સૌથી વધુ જીઈટી ભરનાર કરદાતાઓની યાદી બહાર પડશે ત્યારે બે નામો મોખરે હશે…
મોદીજી અને રાહુલજી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment