પરિણામો પછીના ફન્ડા !

‘ફન્ડા’ એટલે ફન્ડામેન્ટલ્સ. અહીં શેરબજારની ભાષા નથી. ફન્ડામન્ટલ્સ એટલે પાયાના સિધ્ધાંતો. દાખલા તરીકે ચૂંટણીના પરિણામો આવે ત્યારે જ અમુક ફન્ડા આપણને સમજાતા હોય છે ! જેમ કે…

*** 

‘તને જિંદગીભર ખુશ રાખીશ’ એવું કહેનારો પ્રેમી અને ‘તમારી હંમેશાં સેવા કરીશ’ એવું કહેનાર નેતા વચ્ચે ચૂંટણીના પરિણામોની તારીખ અને લગ્નની તારીખ જેટલો જ ફરક હોય છે !

*** 

જવાહરલાલ નહેરુએ જે ‘પંચવર્ષીય યોજના’ શરૂ કરી હતી તેનો અર્થ પ્રજાને છેક હવે સમજાય છે ! (બાકી નેતાઓ તો એ વખતથી જ જાણતા હતા.)

*** 

કંપનીમાંથી ખરીદેલો માલ અને ચૂંટણીમાં પસંદ કરેલા નેતા વચ્ચે એક મોટો ફરક એ હોય છે કે…

કંપનીવાળાને માલસામાન વિશે કોઈ ફરિયાદ કરવી હોય તો ગ્રાહક સેવાનો નંબર આપેલો હોય છે !

*** 

‘નામ ગુમ જાયેગા… ચેહરા યે બદલ જાયેગા…’ ગુલઝાર સાહેબે આ પંક્તિ કોઈ ચૂંટણી લડી રહેલા નેતાનું મોં જોઈને જ લખી હશે !

*** 

‘આપનો કિંમતી અને પવિત્ર મત..’ આમાં એવું છે કે તમે તમારા મતને જેટલો વધારે ‘પવિત્ર’ માનો છો એટલી જ એની ‘કિંમત’ ઘટી જાય છે !

*** 

‘તારું કર્મ માત્ર ‘કર્મ’ કરવાનું છે. ‘ફળ’ ઉપર તારો કોઈ અધિકાર નથી…’

આવું જે ગીતામાં લખ્યું છે તે માત્ર મતદારોને લાગુ પડે છે, નેતાઓને નહીં !

*** 

લોકશાહીની સિસ્ટમ સિમ્પલ છે : ‘થોડા રૂપિયા ખર્ચીને ગરીબોના મત લઈ લો. પછી ઘણા બધા રૂપિયાના બદલામાં ધનવાનોને લાભ કરાવતા રહો !’

*** 

અને ‘પાંચ વરસમાં ‘ડબલ’ કરવાની એક જ બેસ્ટ સ્કીમ છે ! કઈ ? તમે હવે સમજી ગયા હશો…’

***

- મન્નુ શેખચલ્લી

Comments