લો દોસ્તો, ફરી આવી ગયા છે તદ્દન નવા અને ગરમાગરમ ફેક-ન્યુઝ…
***
મોટી ખબર યાને કે ‘ખોટી’ ખબર આવી રહી છે સૌરાષ્ટ્રના ખેતરોમાંથી…
સરકારે કર્યા ટેકા, તો ચોરોએ કર્યા ઢેકા ! જી હા, આ નવી ગુજરાતી કહેવત સૌરાષ્ટ્રના અમુક ખેતરોમાં લાગુ પડી રહી છે ! ચોરો હવે નવી મોડસ ઓપરેન્ડી અજમાવી રહ્યા છે…
ચોરોની નજર હવે સોના-ચાંદી કે રોકડ રકમ ઉપર નહીં પરંતુ મગફળીના બગડેલા મોલ ઉપર છે !
જાણવામાં આવ્યું છે કે જ્યારથી સરકારે મગફળીના બગડી ગયેલા પાક સામે ખેડૂતોને વળતર આપવાની જાહેરત કરી છે ત્યારથી અમુક ખેતરોમાં જે પલળી ગયેલા મગફળીના ‘પથારા’ હતા તે રાતોરાત ચોરાઈ ગયા છે !
અમારા ખુફિયા ખબરપત્રીએ ખબર આપી છે કે અમુક લોકો, જેમની પોતાની જમીન પણ નથી, એવા લોકો બીજાનાં ખેતરોમાંથી પલળેલી મગફળીના ‘પથારા’ ચોરી લાવે છે અને પછી ગમે તે ખુલ્લા પ્લોટમાં તેનો ફરી ઢગલો કરીને સાવ નકલી સરકારી સહાય લેવાના પેંતરા રચી કાઢ્યા છે !
કહેવાય છે કે આ કૌભાંડમાં અમુક સરકારી અધિકારીઓ પોતે જ સંડોવાયેલા છે !
***
વધુ એક મોટી ખબર યાને કે ‘ખોટી’ ખબર આવી રહી છે ગાંધીનગરની ગલિયારીઓમાંથી…
શું ખેડૂતો સાથે અગાઉથી રચાઈ ગયો હતો ખેલ ? શું પાક-વીમા પાછળ કોઈ ના-પાક ઈરાદા હતા ?
જી હા ! આ વરસે સરકારે પાક વીમા યોજના શા માટે અમલમાં નહોતી મુકી ? કેમકે ગુપ્ત સ્રોતોના જણાવ્યા મુજબ સરકારે અમુક જ્યોતિષીઓની ગુપ્ત સલાહ માની હતી !
મોસમની શરૂઆતમાં જ સરકારે અમુક ખાસ જ્યોતિષીઓને પૂછાવ્યું હતું કે આ વરસે ખેતી-ભવિષ્યમાં શું છે ? જ્યારે તેમને ખબર પડી કે ચોમાસું પાંચ મહિના સુધી ચાલશે અને ખેતરમાં પાક પાંચ આની પણ નહીં બચે… ત્યારે જ સરકારે વીમા યોજનામાંથી હાથ અધ્ધર કરી નાંખવાનો નિર્ણય લીધો હતો !
આનાથી પણ વધુ ખતરનાક ખોટી ખબરોના મનોરંજન માટે જોતા રહો અમારી મહાફેંકુ ફેક-ન્યુઝ ચેનલ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment