ટીવીમાં એડ.ઝ જોતાં જોતાં... !

ટીવીમાં એકની એક એડ. આપણે માથે મરાતી હોય છે ને ? પણ બોસ, શું તમે એ બધી એડ જોતાં જોતાં જરાક સિરીયસલી વિચાર કર્યો છે ખરો ? કે… 

*** 

જે હિરોઈનોના ઘરમાં ૪૫ લાખના બાથટબ હોય છે એ હિરોઈનો શા માટે માત્ર ૪૫ રૂપિયાનો ‘બ્યુટિ-સોપ’ વાપરતી હશે?

*** 

અરે, વિચારીને તો ધ્રુજારી છૂટી જાય છે કે… કરીના કપૂરના વાળમાં ડેન્ડ્રફ થાય છે ! કેટરીનાના વાળ સૂક્કા થઈ જાય છે ! શિલ્પા શેટ્ટીના વાળ ખરે છે ! અને પેલી વિદ્યા બાલન ? એ તો માથમાં કોપરેલનું તેલ નાંખે છે ? બોલો.

*** 

એમ તો અમિતાભ બચ્ચનને જોઈને હવે ખરેખર ડાઉટ થાય છે કે કલ્યાણ જ્વેલર્સવાળા જરૂર એમના કોઈ સગામાં થતા હશે ! નહિતર દર વરસે આટલા મોંઘા ભાવનું સોનું સાહેબ ખરેખર ખરીદતા હશે ખરા ?

એટલું જ નહીં, જયા બચ્ચનને જુઓ તો એવો ડાઉટ પણ જાય છે કે બચ્ચન સાહેબ જે સોનું ખરીદે છે એમાંથી એક વીંટી જેટલું સોનું પણ જયાજીને આપતા લાગતા નથી !

*** 

બાકી હેમા માલિની જ્યારે રાજ્યસભામાં મેમ્બર હતા ત્યારે તો છેક સંસદ ભવનમાં કેન્ટ આરઓના પાણીનો બાટલો લઈને જ જતાં હશે, નહીં ?

*** 

ક્યારેક દયા પણ આવે છે કે હવે જ્યારે ડ્રીમ ઇલેવન, માય ઈલેવન, એમપીએલ જેવાં એપ બંધ થઈ ગયાં છે ત્યારે બિચારા ધોની, ગાંગુલી, સેહવાગ જેવા ક્રિકેટરો કમાવા માટે શું કરતા હશે?

*** 

અને પાન મસાલા ખાનારા અજય દેવગણ, શાહરૂખ ખાન અને અક્ષય કુમાર જ્યરે એક કારમા જતા હશે ત્યારે એ લોકો ‘થૂકતાં’ ક્યાં હશે ?

‘સ્વચ્છ ભારત’ અભિયાનનાં પોસ્ટરો ઉપર ?

***

- મન્નુ શેખચલ્લી

Comments