૨૦૨૬ની સારી ભવિષ્યવાણીઓ !


બાબાવેંગા ૨૦૨૬ માટે જે ખતરનાક ભવિષ્યવાણીઓ લખીને ગયાં તે વાંચીને અમને તો ભરબપોરે ટાઢ ચડી ગઈ !
પછી અમને થયું કે દેશવાસીઓ માટે કોઈએ સારી ભવિષ્યવાણીઓ પણ કરવી જોઈએ ને ? એટલે…

*** 

૨૦૨૬માં રાહુલજી અને સલમાન ખાન પરણી જશે ! (અરે, એખબીજાને નહીં ! અલગ અલગ કન્યાઓને…)

જેના કારણે બોલીવૂડમાં ‘હાશકારો’ થશે અને બીજેપીનું ટેન્શન વધી જશે !

*** 

૨૦૨૬માં આવનારી વિધાનસભાની ચૂટણીઓમાં મહિલાઓના ખાતામાં જમા થનારી રકમ ૧૦,૦૦૦થી વધીને ૪૦,૦૦૦ થઈ જશે ! નારી શક્તિ ઝિંદાબાદ !

*** 

કરણ જોહર મોટી મોટી મૂછો ઉગાડીને ફરશે ! એક ઇન્ટરવ્યૂમાં કબૂલ કરશે કે ‘મેં સેક્સ પરિવર્તન કર્યું છે તે વાત મેં છૂપાવી હતી!’

*** 

બોલીવૂડમાં સળંગ ચાર મહિના ચાલે એટલી લાંબી હડતાલ પડશે… ફિલ્મો બનતી બંધ થઈ જશે… ફિલ્મો રીલિઝ પણ નહીં થાય… છેવટે જ્યારે હડતાલ બંધ થવાની હશે ત્યારે લાખો પ્રેક્ષકો સડક પર ઉતરી આવશે અને માગણી કરશે કે ‘હડતાલ ચાલુ રાખો !’

*** 

કમ સે કમ એક નેતાને ખૂન અથવા બળાત્કાર માટે ‘સજા’ થશે !

*** 

૧લી એપ્રિલના શુભ દિવસે સરકાર આખા દેશના તમામ વાહનચાલકોને ૧૦-૧૦ લિટર પેટ્રોલ અથવા ડિઝલ ‘ફ્રી’ આપશે!

*** 

અર્નબ ગોસ્વામીનું ગળું બેસી જશે ! તે સળંગ સાત દિવસ સુધી બોલી શકશે નહીં ! બોલો.

*** 

અમદાવાદમાં યોજાનાર ઓલિમ્પિક રમત મહોત્સવમાં ‘ગિલ્લી-ડંડા’ને અધિકૃત સ્પોર્ટ્સનો દરજ્જો મળશે !

*** 

અને વર્ષ ૨૦૨૬માં જ…
‘પાણીપુરી’ને રાષ્ટ્રીય નારી-વાનગીનો દરજ્જો આપવામાં આવશે ! હા (પેલી વિધાનસભાની ચૂંટણીઓમાં તો મહિલાઓને ‘આજીવન મફત પાણીપુરી’ના વચનો પણ અપાતાં હશે !)

***

- મન્નુ શેખચલ્લી

Comments