ટેરરિઝમ યુનિવર્સિટીના નવા કોર્સ !

અત્યાર સુધીમાં તો એટલું જ બહાર આવ્યું છે કે એક યુનિવર્સિટીમાં ડીગ્રીધારીઓ પોતે જ આતંકવાદીઓ હતા…

પરંતુ તમે જોજો, આગળ જતાં હવે તો રીતસરની ટેરરિઝમની ડીગ્રી આપનારા કોર્સ શરૂ થઈ જશે ! જુઓ, અમારી પાસે તો એનું ‘પ્રોસ્પેક્ટ્સ’ પણ આવી ગયું છે…

*** 

એમબીબીએસ :
(માસ્ટર્સ ઇન બોમ્બ બ્લાસ્ટ સાયન્સ)

આ કોર્સમાં તમને ક્રુડ બોમ્બ, પેટ્રોલ બોમ્બ, એલપીજી બાટલા બોમ્બ તથા સીએનજી ટાંકી બોમ્બથી લઈને વિવિધ કેમિકલ્સ તથા ફર્ટિલાઈઝરો વડે ઘેરબેઠાં બોમ્બ બનાવતાં શીખવાડવામાં આવશે !

થિયરી ઓનલાઈન શીખી શકાશે, પણ પ્રેક્ટિકલ્સ માટે પાકિસ્તાન અથવા તૂર્કીમાં આવવાનું રહેશે.

*** 

એમબીએ :
(માસ્ટર્સ ઇન બ્રેઇન વોશિંગ એક્ટીવીટીઝ)

આ એક જાતનો થિયરી કોર્સ છે. આમાં મોટીવેશનલ સ્પીકરોની ટેકનિકોનો ઉપયોગ કરીને સીધાસાદા ભણેલાં યુવક યુવતીઓનાં દિમાગમાં ટેરરિઝમનો વોશિંગ પાવડર શી રીતે ઘૂસાડવો તેની સ્ટેપ બાય સ્ટેપ મેથડ શીખવવામાં આવે છે.

જોકે હાલમાં અમુક અણઘડ અને ઓછું ભણેલા લોકો અધકચરા કોર્સ ચલાવે છે. પણ અમારી પાસે પ્રોફેસનલ મોટીવેટરોની આખી ફોજ છે.

*** 

એટીકેટી :
(એડવાન્સ ટ્રેનીંગ ઇન કાશ્મીર ટેરરિઝમ)

જુનો કોર્સ નકામો થઈ ગયો હોવાથી હવે તદ્દન નવી મોડસ ઓપરેન્ડીવાળો કોર્સ ટૂંક સમયમાં આવી રહ્યો છે ! જુના કોર્સમાં નાપાસ થનારાઓ માટે શ્રેષ્ઠ તક !

*** 

ચેટ જીપીટી
(ચેમ્પિયન ટ્રુપ ઓફ ગ્લોબલ પાકિસ્તાની ટેરરિઝમ)

ભારતના પોલિટીક્સથી લઈને છેક યુનાઈટેડ નેશન્સમાં પાકિસ્તાની ટેરરિઝમને શાંતિપ્રિય, માનવતાવાદી અને આઝાદીની અભિવ્યક્તિ સાબિત કરી શકે તેવો એક માત્ર ઇન્ટેલેક્ચ્યુઅલ કોર્સ !

*** 

આઈપીએસ :
(ઇન્ડિયન પોલમપોલ ઈન સેક્યુલારિઝમ)

અમારો આ વરસો જુનો કોર્સ કરી ચૂકેલા નિષ્ણાતો આજે મોટી મોટી ચેનલોમાં મોટા મોટા મિડીયા હાઉસમાં, મોટી મોટી યુનિવર્સિટીઓમાં તથા ઓફ કોર્સ, પોલિટીક્સમાં નામ કમાઈ ચૂક્યા છે !

જોઈ શું રહ્યા છો, જોડાઈ જાવ !

***

- મન્નુ શેખચલ્લી

Comments