બે દિવસ પહેલાં ‘આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ’ આવીને જતો પણ રહ્યો ! કોઈ સમારંભ નહીં, કોઈ સન્માનો નહીં, કોઈ અખબારમાં પૂર્તિ નહીં, અરે, વડાપ્રધાનની શુભેચ્છાઓ પણ નહીં ?
કેમકે આખો સમાજ આજે પુરુષોને ‘ક્રેડિટ’ આપવામાં માનતો જ નથી ! (વિજય માલ્યા કે બેન્કોની વાત નથી. ક્રેડિટ એટલે સન્માન યાર !) તમે ગણતા જાવ…
***
પુરુષો વાર્તાઓ લખે છે, નવલકથાઓ લખે છે, સાત સાત દહાડા ચાલે એવી કથાઓ કરે છે, નાટકો બનાવે , હજારો ફિલ્મો-સિરીયલો બનાવે છે…
છતાં ‘અભિવ્યક્તિ’ની કલા કોને આવડે છે ? નારી ને !
***
પુરુષોએ યુદ્ધ લડવા માટે તીર-કામઠાં, ભાલા, તલવાર, તોપ, બંદૂકો, મશીનગન, ટેન્કો, વિમાન, મિસાઈલ્સ… અરે પરમાણું બોમ્બ સુધ્ધાં બનાવી નાંખ્યાં !
છતાં ‘કાતિલ’ અધા કોની પાસે છે ? નારી પાસે !
***
પુરુષોએ મહિલાઓ માટે પ્રેશર કુકર, સ્ટવ, માઈક્રોવેવ ઓ’ન, ફ્રાંઇગ પેન, નોન-સ્ટીક પેન, રેડીમેઈડ મસાલા, જાતજાતના મેકપના સાધનો, અનેક જાતના બ્યુટિ સોપ, બ્યુટિ ક્રીમ, એન્ટિ એજિંગ ક્રીમ, વગેરેની શોધ કરી… જેથી મહિલાઓની મહેનત ઘટે અને બ્યુટિ પણ વધે…
છતાં કહેવાયું શું ? કે પુરુષનો ‘આધાર’ તો નારી છે !
***
પુરુષો પોતે તો બે જાતનાં પેન્ટ-શર્ટ, બે જાતનાં ચંપલ-બૂટ અને માત્ર બે જાતની હેર-સ્ટાઈલમાં આખી જિંદગી કાઢી નાંખે છે.
પણ સ્ત્રીઓને સત્તર જાતની સાડીઓ, અઢાર જાતના ડ્રેસ, ઓગણત્રીસ જાતનાં સૌંદર્ય પ્રસાધનો અને એકાવન જાતની જ્વેલરીઓ માટે પુરુષો જોઈએ એટલા રૂપિયા આપતા જ રહે છે…
છતાં કહેવાયું શું ? કે ‘કરકસર’ તો નારીને જ આવડે ! બોલો.
***
અરે, ચૂંટણી આવે ત્યારે દસ-દસ હજાર રૂપિયા ડાયરેક્ટ મહિલાઓનાં ખાતામાં જમા થાય છે !
મોદીજી, કમ સે કમ ‘પુરુષ-દિવસ’ નિમિત્તે પુરુષોનાં ખાતામાં દસ-દસ રૂપિયા તો જમા કરાવો ?
જેથી સરખી રીતે દાઢી તો કરે ? આ ભાયડાઓ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment