અમુક સમાચારો એવા હોય છે કે તેનું જ્યારે ‘અર્થઘટન’ કરીએ ત્યારે અંદરથી કંઈ બીજું જ નીકળે છે ! દાખલા તરીકે…
***
મોદીજી કહે છે કે ભારતના યુવાનો આજે રીલ્સ બનાવીને ‘રોજગાર’ મેળવી રહ્યા છે !
એ હિસાબે તો મોદીજી, યુવાનોને આ રોજગાર માટે મોબાઈલ ફોન, લાઈટો, મેકપ, સારાં કપડાં અને એડિટીંગ સોફ્ટવેર ખરીદવા માટે લોન મળવી જોઈએ !
***
શોભા ડે કહે છે કે શિલ્પા શેટ્ટીની રેસ્ટોરન્ટ એક સાથે ૭૦૦ વ્યક્તિ ભોજન કરી શકે એટલી મોટી છે !
એ હિસાબે તો એને રેસ્ટોરન્ટ નહીં, ‘ભંડારો’ કહેવાવો જોઈએ ! (ભલે ને અમીરોનો ભંડારો કહો ?)
***
ટ્રમ્પ કહે છે કે મોદીજી તો એક ‘કડક પિતા’ જેવા છે !
એ હિસાબે ટ્રમ્પ શું થયાં ? બાપનું કહ્યું હરગિઝ ના માનનારા નાલાયક પુત્ર ?
***
સલમાન ખાનને ‘આતંકવાદી’ જાહેર કર્યાના બે દિવસ પછી પાકિસ્તાન કહે છે કે ના, સલમાન ખાન ‘આતંકવાદી’ નથી !
આ હિસાબે તો પાકિસ્તાને સલમાનખાનને ‘દો દિન કા આતંકવાદી’નો એવોર્ડ આપવો જોઈએ !
***
દેશમાં દર પાંચમો કિશોર ડિપ્રેશનમાં છે. જેનું કારણ ‘ઓનલાઈન’ ક્લાસિસ અને મોબાઈલનો વધારે પડતો ‘સ્ક્રીન ટાઈમ’ છે.
આ હિસાબે બાકીના જે ચાર કિશોરો છે એમનાં મા-બાપોને ખખડાવી નાંખવા જોઈએ કે તમે તમારાં સંતાનોને મોબાઈલ કેમ નથી વાપરવા દેતા ?
***
અભિષેક બચ્ચન કહે છે કે ‘મેં કોઈ એવોર્ડ ખરીદ્યો નથી, બલ્કે એના માટે મેં સતત લોહી, પરસેવો અને આંસુ વહાવ્યાં છે !’
અરેરે, આ હિસાબે તો અભિષેકને તાત્કાલિક આઈસીયુમાં ભરતી કરી દેવો જોઈએ ! આ બધું તાત્કાલિક વહેતું બંધ કરો…
***
અને ઈઝરાયેલે ફરી હમાસ ઉપર હુમલા શરૂ કરી દીધા !
આ હિસાબે તો… નોબેલ પ્રાઈઝ આપનારા શાણા નીકળ્યાં !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment