નામશેષ થનારી કળાઓ !

આજની જેન-ઝિ જે રીતે મોબાઈલ, ઇન્ટરનેટ અને કોમ્પ્યુટરો સાથે ઉછરી છે તે જોતાં લાગે છે કે આવનારાં થોડાં જ વરસોમાં અમુક ક્રિયાઓ ‘એન્ટિક’ ગણાતી હશે !

*** 

કળા નંબર (૧)
ડિજીટલ ઘડિયાળોની એટલી ટેવ પડી ગઈ હશે કે ‘કાંટાવાળી’ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તેની સમજણ જ નહીં હોય ! એટલું જ નહીં, આ ઇંગ્લીશ મિડીયમ જનરેશનને ‘સાડા ત્રણ’ અને ‘પોણા પાંચ’ વચ્ચે શું ફરક છે તેની પણ ખબર નહીં હોય !

*** 

કળા નંબર (૨)
ગુગલ મેપ વિના કોઈપણ ‘ડેસ્ટીનેશન’ નહીં શોધી શકનારી આ જનરેશન સીધો સાદો નકશો જોઈને કોઈ ઠેકાણે પહોંચી શકશે નહીં ! એ તો ઠીક, પોતાની ખોવાઈ ગયેલી ચાવી શોધવા માટે પણ ગુગલમાં ‘સર્ચ’ મારશે !

*** 

કળા નંબર (૩)
શરૂઆત ‘ઓટો કરેક્ટ’  વિના ટાઈપિંગ ના કરી શકવાથી થશે. પછી ચેટ જીપીટી વિના અરજી, લેટર, રિપોર્ટ નહીં લખી શકવાની બિમારી છેક એઆઈ વિના સ્કુલનું હોમવર્ક નહીં કરી શકવા સુધી પહોંચી જશે !

અને શું કહ્યું ? હેન્ડરાઇટિંગ ? એ તો બાલમંદિરના ‘સિલેબસ’માં જ નહીં હોય !

*** 

કળા નંબર (૪)
આંગળીઓ વડે કે મનમાં ગણત્રી કરીને સીધા સાદા સરવાળા બાદબાકી કરતાં પણ નહીં આવડતું હોય ! દાખલા તરીકે એક ડઝન કેળાનો ભાવ ૧૫ રૂપિયા હોય તો ત્રણ કેળાનાં કેટલા આપવાના ? … આ તો યુપીએસસીની એક્ઝામનો સવાલ થઈ ગયો, ભૈશાબ !

*** 

કળા નંબર (૫)
ફાટેલાં કપડાં સાધવાં ! અરે ભૈશાબ, જેન-ઝિવાળા તો કહેશે કે ‘બ્રો, ફાટેલાં કપડાં એ જ ફેશન છે ! એને સાંધવાના શા માટે ?’

*** 

કળા નંબર (૬)
આજકાલની મહિલાઓ માટે આઘાતના સમાચાર છે કે નવી જેન-ઝિને ભાવતાલની ‘રકઝક’ કરતાં પણ નહીં આવડતું હોય ! ૨૦૦ રૂપિયામાં ૫૦૦ ગ્રામ મળતી ચીજ માટે કહેશે ‘ભૈયા કુછ કમ કરો ના ? ચલો, દોસૌ રૂપયે મેં ૪૦૦ ગ્રામ કર દો !’

***

- મન્નુ શેખચલ્લી

Comments