બિહારમાં ચૂંટણી આવી છે તેજપ્રતાપ યાદવે તો જાહેરાત કરી દીધી છે કે મહિલાઓનાં ખાતામાં ૩૦-૩૦ હજાર જમા થઈ જશે !
જ્યાં ૭.૫૦ કરોડ જેટલા મતદારો છે અને એમાં ૩.૫૦ કરોડ જેટલી મહિલાઓ હોય તો આટલા બધા રૂપિયા આવશે ક્યાંથી?
એના કરતાં થોડાં પ્રેક્ટિકલ વચનો આપવાં જેવાં છે ! જેમકે…
***
દરેક યુવક-યુવતીને દર મહિને ૧૦૦ જીબી ડેટા ફ્રી ! આમાં સરકારની તિજોરી પર બોજ પણ ઓછો અને નવરી યંગ જનરેશન કદી માથું જ ન ઊંચકી શકે (મોબાઈલમાંથી) !
***
સોશિયલ મીડિયામાં ‘રીલ્સ’ બનાવવા માટે મન્થલી ભથ્થું ! આમ પણ મોદીજીએ તો જાહેરમાં કીધું છે કે રીલ્સ બનાવવાં એ તો ‘રોજગાર’ છે ! એમાંય જો સરકાર તરફથી ભથ્થું મળશે તો ‘ઇન્ફ્લુએન્સરો’ ક્યાંકને ક્યાંક મોદીજીનો ફોટો તો મુકશે જ ને ?
***
બેરોજગાર યુવાનોને ‘બોટલ’ ક્વોટા ! કેમકે બિહારમાં દારૂબંધી થઈ ગયા પછી બાટલીઓ મોંઘી થઈ ગઈ છે ! ઉપરથી ત્યાં ગિફ્ટ-સિટી જેવું કંઈ છે જ નહીં ! તો જે યુવાનો રીલ્સ પણ નથી બનાવી શકતા અને નોકરી પણ નથી મેળવી શકવાના… એમની હતાશા દૂર કરવા માટે મિનિમમ એક બાટલી, દર રવિવારે !
***
નવી ‘મહાબલિ રોજગાર’ યોજના ! બિહારમાં હજી પણ ગુંડાગિરી એ એક જાતનો રોજગાર જ છે. ત્યાંના મહાબલિઓએ રોજગારીના ‘એન્ટરપ્રોન્યર’ છે ! પરંતુ વધુમાં વધુ યુવાશક્તિ વાહનોની તોડફોડમાં વેડફાઈ જાય એના કરતાં ગુંડાગિરીની તાલીમ મેળવે એમાં ખોટું શું છે ?
***
એ જ રીતે નવી ‘કટ્ટા કારોબાર’ યોજના લાવો ! કટ્ટા યાને કે દેશી તમંચાના ઉદ્યોગને ખરેખર સહાયની જરૂર છે. કટ્ટા ઉપરાંત તલવાર, ખંજર, ચાકુ, ધારિયાં વગેરેનો આમાં સમાવેશ કરી દો !
***
અને છેલ્લે… ‘જુગાડ સબસીડી’ ! બિહારમાં જુગાડ-વૈજ્ઞાનિકો દેશભરમાં ફેમસ છે. જુના બાઈકમાંથી છકડા, સ્કુટરના એન્જિનથી ચાલતી ઘંટી, વોશિંગ પાવડરમાંથી વીજળી અને મામૂલી વીજળીના વાયર વડે મોબાઈલનું એન્ટેના ! આવી બધી મૌલિક બિહારી શોધને પણ કદર કરોને ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment