ગાંધીનગરમાં ધારાસભ્યો માટે પાંચ-પાંચ બેડરૂમવાળા ભવ્ય એપાર્ટમેન્ટો (માત્ર ૩૯ રૂપિયાના ભાડામાં) તૈયાર થઈ ગયા છે !
હવે વિચારો, જ્યારે બધા ધારાસભ્યો તેમના ફેમિલી સાથે ત્યાં રહેવા જશે ત્યારે એમના વોટ્સએપ ગ્રુપમાં શું શું ચાલતું હશે ?
***
‘બધા સારા સારા એપાર્ટમેન્ટો ભાજપે લઈ લીધા છે અને અમને કોંગ્રેસીઓને છેક પાછળ ખૂણામાં ધકેલ્યા છે.’
‘જુઓ ભઈ, દેશ હોય કે એપાર્ટમેન્ટ, આગળ આવવા માટે મહેનત તો કરવી નથી ! અને ફરિયાદો કરો છો ?’
‘રહેવા દેજો હોં ? ભાજપના જ ધારાસભ્યોનું મામૂલી સરકારી અધિકારીઓ પણ ક્યાં સાંભળે છે ?’
‘મારી વાઈફની ફરિયાદ છે કે અમને છેક ઉપરને માળે કેમ રાખ્યા છે ?’
‘મિત્ર, એમાં એવું છે કે જેની ‘ઉપર’ની કમાઈ સારી હોય તેમને ‘ઉપર’ જ રાખ્યા છે !’
‘હલો, કોમેન્ટમાં ધ્યાન રાખો… મેસેજો લીક પણ થઈ શકે છે !’
‘અચ્છા, આપણે બીજા એપાર્ટમેન્ટોની જેમ નવરાત્રિના ગરબા રાખવાના છીએ ? મારાં વાઈફ પૂછતાં હતાં.’
‘ગરબા રાખીએ તો ખરા, પણ ફાળો કોણ આપશે ? ૩૯ રૂપિયાના ભાડૂઆતો પાસે ફાળો માગતા શરમ નથી આવતી ?’
‘ગ્રુપમાં આ કોણ ઘૂસી ગયું છે ? એ ધારાસભ્ય નથી લાગતો !’
‘ધારાસભ્ય જ છે. પણ નવા નવા કોંગ્રેસમાંથી આવ્યા છે ને, એટલે જુની ટેવ જતી નથી…’
‘આ કોંગ્રેસનું અપમાન છે ! અમે સાંખી નહીં લઈએ !’
‘શાંતિ રાખો મિત્રો… આવા લડાઈ ઝગડા જાહેરમાં લોકોને દેખાડવા માટે કરવાના હોય. અહીં સૌ હળીમળીને રહો…’
‘યસ. જુની કહેવત છે કે ભાઈ ન લડો, વહેંચીને ખાઓ !’
‘ખાવા પરથી યાદ આવ્યું. અહીં આવાસમાં ભોજનાલય રાખવાના છો ? પાંચ રૂપિયામાં સમોસા, બે રૂપિયામાં બટાકાવડા, સવા રૂપિયાની આખી ચા…’
‘એ બધું છોડો, આપણે એક ક્લબ હાઉસ રાખો ! જ્યાં આપણે ઓફિશીયલી પત્તાં રમી શકીએ…’
‘તો પછી જોડે જોડે ગિફ્ટ સીટી જેવું પણ રાખો ને ?’
‘ઓ ભૈશાબ ! આમાં તો દરેકનાં ઘરવાળાં જ વિરોધપક્ષી બની જશે !’
(સૌ એક સાથે) ‘ઓકે. ખરડો રદ !!’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment