ફિલ્મી ગીતકારોની એક ખાસિયત છે કે ગીતમાં અઘરા અઘરા સવાલો કરીને કદી તેના જવાબ આપતા જ નથી ! દાખલા તરીકે ‘ક્યું ચલતી હૈ પવન ? ક્યું ઝૂમે હૈ ગગન ?’ અથવા ‘મૈં ઐસા ક્યું હું ? મૈં જૈસા હું, મૈં વૈસા ક્યું હું ?’
પરંતુ આપણા વડીલોને આજકાલ બહુ અઘરા અઘરા સવાલો થતા હોય છે ! એનું કરવું શું ? જુઓને…
***
સવાલ : ધનવાન બની ગયા પછી માણસમાં અહંકાર શા માટે આવી જતો હોય છે ?
જવાબ : વડીલ, મને પણ એ જ પ્રશ્ન થાય છે કે માણસ ગરીબ હોય ત્યારે જ એનામાં કેમ અહંકાર નથી હોતો ? આમાં ભગવાનની જ કોઈ મેન્યુફેકચરીંગ ડિફેક્ટ લાગે છે.
***
સવાલ : માણસે ક્યાં સુધી સુખની પાછળ દોડવું જોઈએ ?
જવાબ : જુઓ કાકા, આમાં એવું છે કે દોડવામાં સુખ મળવું જોઈએ ! દાખલા તરીકે, કોઈ યુવાનને કોઈ યુવતીની પાછળ દોડવામાં સુખ મળતું હોય તો એને દોડવા દો ને ? આપણા બાપાનું શું જાય છે ?
***
સવાલ : અગાઉ ઓટલો બેસીને ટિકડી ફોડવામાં કે તૂટેલું અડધું પતાસું ખાવામાં જે આનંદ મળતો હતો તે આજે કેમ મળતો નથી ?
જવાબ : યાર, આમાં વાંક તમારો જ છે ! તમને આજે ઓટલે બેસીને ટિકડી ફોડતાં કોઈ રોકે છે ? ફોડોને યાર ? રહી વાત પતાસાંની, તો એમાં જો શ્યુગરનો પ્રોબ્લેમ લાગતો હોય તો તૂટેલું બિસ્કીટ ચૂસવાનું રાખો.
***
સવાલ : આજે દુનિયામાં સાચું સુખ ક્યાંથી મળી શકે ?
જવાબ : આન્ટી, જ્યાં જમાનો જ ડુપ્લીકેટનો છે, ત્યાં ‘સાચું’ સુખ ક્યાંથી મળવાનું ? અરે ‘ખોટું’ સુખ, ‘૫૦ ટકા પ્યોર’ સુખ, ફક્ત ‘વરખ ચડાવેલું’ સુખ… આવું બધું પણ ગુગલમાં સર્ચ કરવા છતાં નથી મળતું ! બોલો. છતાં તમને ક્યાંકથી મળી જાય તો કેહજો, આપણે ચાર-પાંચ કિલો લેવું છે.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment