અમેરિકાથી સમાચાર આવ્યા છે કે ટ્રમ્પના ‘બજેટ પ્રસ્તાવો’ પાસ ના થવાના કારણે ત્યાં હવે ‘શટ ડાઉન’ લાગુ પડશે !
સાહેબો, આ તો કમાલની લોકશાહી છે ! કેમકે…
***
ટ્રમ્પ એ વાત ઉપર ‘લોકશાહી પ્રક્રિયા’ વડે ચૂંટાઈને આવ્યા હતા કે એ ભાઈસાહેબ વધુ ને વધુ અમેરિકનોને નોકરી અપાવશે !
જ્યારે અહીં ૮૦ ટકા સરકારી કર્મચારીઓની ‘નોકરી’ જ લટકી ગઈ છે !
***
૨૦૧૮માં આવું ‘શટ ડાઉન’ ૩૫ દિવસ સુધી કયા મુદ્દા પર ચાલ્યું હતું. યાદ છે ?
ટ્રમ્પ ૫.૭ બિલિયન ડોલરના ખર્ચે મેક્સિકોની બોર્ડર પર દિવાલ બાંધવા માંગતા હતા, જે વિરોધ પક્ષને મંજૂર નહોતું. રાઈટ ?
અને ૩૫ દિવસના ‘શટ ડાઉન’ પછી સરકારને કેટલા ડોલરનું નુકસાન થયું હતું ? માત્ર ૧૧ બિલિયન ડોલરનું !
- આ છે અમેરિકન લોકશાહી !
***
અને હા, ૨૦૧૮ની અગાઉ ૧૦ વખત ‘શટ ડાઉન’ થઈ ચૂક્યાં હતાં પરંતુ છેક ૨૦૧૯માં અમેરિકન સંસદને ટ્યુબલાઈટ થવાને કારણે નવો કાયદો પસાર કરવામાં આવ્યો હતો કે શટ ડાઉન પતી જાય પછી પણ એમાં ‘કામ કરનારા’ કર્મચારીઓને પગાર તો ચૂકવવામાં આવશે, હોં !
- આ છે અમેરિકન લોકશાહી !
***
એક બાજુ ભારતમાં કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને ૫૮ ટકા થઈ ગયું છે. એટલું જ નહીં, આ વધારો જુલાઈ મહિનાથી ગણીને ચૂકવાશે !
અને પેલી બાજુ અમેરિકામાં ૮૦ ટકા કેન્દ્રીય કર્મચારીઓ હાલ પુરતા ‘છૂટા’ કરવામાં આવ્યા છે !
- આ છે અમેરિકન લોકશાહી !
***
અમેરિકામાં મોટાભાગના લોકોને હવે ખાતરી થઈ ગઈ છે કે આ ‘શટ ડાઉન’નો તો એક જ ઉપાય છે કે…
ટ્રમ્પને ‘શટ-અપ’ કરવામાં આવે !
- આ છે અમેરિકન લોકશાહી !
***
તમે ‘શટ ડાઉન’ની તારીખ માર્ક કરી ? ૩૦મી સપ્ટેમ્બર ! કેમ ? અરે, પહેલી ઓકટોબરે અમેરિકાના લાખ સરકારી કર્મચારીઓને પગાર જ ના આપવો પડે ને ?
***
બાકી કહેવું પડે હોં ? ટ્રમ્પે લાખો લોકો માટે નવી રોજગારી ઊભી તો કરી, હોં ?
કેમકે હવે પેલા ‘નવરા’ પડેલા ૮૦ ટકા કર્મચારીઓ ‘નખ્ખોદ વાળવાનો’ ધંધો તો કરશે જ ને ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment