ફિલ્મોમાં કોમેડી બે પ્રકારની હોય છે. એક જે ‘હાસ્યજનક’ હોય. મતલબ કે જોઈને કુદરતી રીતે હસવું આવે. બીજી હોય છે ‘હાસ્યાસ્પદ’. જેમાં તમને હસવું એટલા માટે આવે છે કે એમાં જે કંઈ ચાલી રહ્યું છે તે એટલાં ‘સ્ટુપિડ’ લેવલનુ હોય કે તમને આખી વાત ઉપર જ હસવું આવે…
જોકે ૧૯૯૮માં આવેલી ‘ગુન્ડા’ આ બંને કેટેગરીથી ઉપર છે ! કેમકે દિગ્દર્શક કાન્તિ શાહ, હીરો મિથુન ચક્રવર્તી, ફિલ્મના લેખક કે એકશન ડિરેક્ટર વગેરે લોકોએ આ ફિલ્મ બનાવતી વખતે પુરેપુરા ‘સિરિયસ’ હતા !
એ તો આજે તમે જોવા બેસો તો ખબર પડે કે, બોસ, આમાં તો ઠાંસી ઠાંસીને ‘હસવાનું’ જ ભરેલું છે !
***
અચ્છા, શું તમને ખબર છે કે ફિલ્મ આજની મિલેનિયમ જનરેશન માટે એક ‘કલ્ટ’ ફિલ્મ બની ગઈ હતી ? એ પણ એની કોમેડી વેલ્યુ માટે !
પહેલાં તો એ સમજી લો કે ‘કલ્ટ મુવી’ એટલે શું ? તો એવી મુવી, જે સામાન્ય રીતે ફ્લોપ ગઈ હોય, ખાસ ના ચાલી હોય, પણ પાછળથી ધીમે ધીમે માઉથ પબ્લિસીટી વડે એના ચાહકોની સંખ્યા કોઈ છૂપા ‘સંપ્રદાય’ની જેમ વધતી જાય !
તમને નવાઈ લાગશે, પણ છેક ૨૦૦૫માં ‘ઇકોનોમિક ટાઇમ્સ’ અને ‘મુંબઈ મિરર’ જેવા ખ્યાતનામ અખબારોમાં આ ફિલ્મ જોઈને ‘ડઘાઈ ગયેલા’ વિવેચકોએ એના વિશે ‘રિ-રિવ્યુ’ લખ્યા હતા !
***
આજની તારીખે યુ-ટ્યુબમાં ‘ગુન્ડા’ ફિલ્મના ૯ કરોડ ૭ લાખથી વધુ વ્યુઝ થઈ ચૂક્યા છે. બીજી એક ઐતિહાસિક ઘટના એવી છે કે સન ૨૦૦૩માં મુંબઈના એક જ ડીવીડી સ્ટોરમાંથી ‘ગુન્ડા’ની ૩૦૦૦ ડીવીડીઓ વેચાઈ હતી ! જે સમયે કોઈ નવી સુપરહિટ ફિલ્મની વધુમાં વધુ ૧૦૦૦ ડીવીડી વેચાતી હતી ત્યારે આ રેકોર્ડ બન્યો હતો ! આને કહેવાય ‘કલ્ટ’ !
***
તમને થશે કે યાર, એવું તો શું છે ‘ગુન્ડા’માં ? તો સાહેબો, પેલી અંગ્રેજી કહેવત છે ને કે ‘ધ બ્યુટિ લાઈન ઈન ધ આઈઝ ઓફ ધ બિહોલ્ડર’… યાને કે ‘ગુન્ડા’ની કોમેડીને માણવા માટે તમારી આંખોમાં કોમેડી પારખવાની આવડત હોવી જોઈએ. (દિમાગમાં તો શી રીતે કહી શકાય ? કેમકે એક રીતે જુઓ તો દિમાગનું દહીં થઈ જાય એવું છે !)
એના થોડા નમૂના વાંચશો પછી તમે ચોક્કસ ફિલ્મને એન્જોય કરવાની ખાસ ‘જાડી ચામડી’ તૈયાર કરી શકશો…
***
આ ફિલ્મની હાઈલાઈટ છે એના ‘શાયરી-સભર’ સંવાદો ! લોકસભામાં પેલા મહારાષ્ટ્રના સાંસદ રામદાસ આઠવલેને પણ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાનું મન થઈ જાય એટલી હદે ‘ઊંચી’ શાયરીઓ આના સંવાદોમાં છે… દાખલા તરીકે…
ફિલ્મનો મેઇન વિલન (મુકેશ રીશી) પોતાની ઈન્ટ્રો આપતાં ફટકારે છે : ‘મેરા નામ હૈ બુલ્લા, ઔર મેં રખતા હું ખુલ્લા !’
બીજો એક વિલન કહે છે ‘મેરા નામ હૈ પોતે, જો અપને બાપ કે ભી નહીં હોતે !’
(આ બધું સાંભળીને દાંત નથી કચકચાવવાના, બલ્કે હસવાનું છે, ભૈશાબ.)
***
વિલનની બહેનને કોઈ ગુન્ડો બળાત્કાર કરીને મારી નાંખે છે. ત્યારે વિલનની બહેનની લાશને ખોળામાં લઈને સિરિયસલી, રડતાં રડતાં કહે છે : ‘તૂ તો મર ગઈ ? લંબૂ ને તૂઝે લંબા કર દિયા ? માચિસ કી તિલ્લિ કો ખંભા કર દિયા ?’
(બોલો, અહીં તો તમે પોતાના માથાના વાળ ન જ ખેંચી શકો ને ?)
***
મિથુન ચક્રવર્તી વિલનના સગા ભાઈને મારી નાંખે છે ત્યારે અગેઈન વિલન ‘કલ્પાંત’ કરતાં ડાયલોગ મારે છે : ‘અભી તો તેરી ટ્યુબ મેં લાઈટ આઈ થી… ઔર શંકરને તેરા ફ્યુઝ ઉડા દિયા ?’
(બોલો, હવે તો માનશોને કે આ હકીકતમાં એકશન મુવી નહીં પણ કોમેડી છે ?)
***
ક્રિએટીવીટીની હદ તો ત્યાં આવે છે જ્યાં એક ગુન્ડો પોતાનો જીવ બચાવવા માટે મુખ્ય વિલન આગળ કરગરતાં કહે છે : ‘મુઝે બચા લે… તેરે કો એઇડ્સ સે બચાને કે લિયે મૈં નિરોધ બન જાઉંગા ! ઔર ટોવેલ બનકર તેરી કમર સે લિપટ જાઉંગા !’
બશીર બાબર નામના સંવાદ લેખકે એની કારકિર્દીનું શ્રેષ્ઠ કામ આ ફિલ્મમાં કર્યું હોય તેમ લાગે છે. એમની કલ્પના તો જુઓ ? એક વિલન સરેઆમ ધમકી આપતાં કહે છે ‘લાશેં ઈસ તરહ ટપકેંગી, જૈસે નન્હે મુન્ને બચ્ચે કી ચડ્ડી સે સૂસૂ ટપકતી હૈ… ટપ… ટપ… ટપ !’
(તાલિયાં… ભાઈ !)
***
ફિલ્મની એક્શન સિકવન્સો તો ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવી છે. એમાંય એક ફાઈટ તો સંપૂર્ણપણે ‘કાવ્યાત્મક’ કહી શકાય તેવી છે.
અહીં મિથુન એક ‘લકડી ચીકના’ નામના ‘દલાલ’ને મારવા માટે વેશ્યાઓના અડ્ડા પર પહોંચે છે. પરંતુ આ અડ્ડો કેવો છે ? ભલભલા ફ્રેન્ચ ડિરેક્ટર ફેલિની કે રશિયન ડિરેક્ટર તારકોવ્સકી પણ જેની કલ્પના ના કરી શકે એવો છે !
અહીં પલંગો યાને કે કાથીની દોરડીવાળા ‘ખાટલાઓ’ જાડાં જોડાં દોરડાં વડે હવામાં ઝૂલી રહ્યા છે ! દરેક ખાટલામાં એક એક કન્યા તેના ગ્રાહક સાથે મજા માણતાં ઝૂલા ઝૂલી રહી છે !
એવામાં મિથુન પેલા ‘દલાલ’નો પીછો કરતાં કરતાં અહીં આવી પહોંચે છે ! ફાઈટ ચાલુ થઈ જાય છે ! પણ ક્યાં ? પેલા હિંચકાની જેમ ઝૂલતા ખાટલાઓ ઉપર ! બંને જણા ઢીશૂમ ઢીશૂમ કરતાં કરતાં એક ખાટલેથી બીજા ખાટલે ઠેકડા મારી રહ્યા છે !
અહીં આખું દ્રશ્ય તો ‘કાવ્યાત્મક’ છે જ, પણ ‘કવિ’ની ખરી મજા એ છે કે આવી મારામારી વચ્ચે પેલી કન્યાઓ ભાગદોડ કરવાને બદલે મસ્તીથી સૂતાં સૂતાં ફાઈટની લિજ્જત માણી રહી છે ! બોલો.
***
‘ગુન્ડા’ની એક એકશન સિકવન્સનાં તો ‘રીલ’ પણ ફરી રહ્યાં છે !
સીન એવો છે કે એક મિનિસ્ટરને મારવા માટે મિથુન એક રીક્ષામાં બેઠો છે. મિનિસ્ટરની કારોના કાફલો પસાર થાય છે. વ્ઉઉઉઉ… વ્ઉઉઉઉઉ… કરતી સાયરનો વાગી રહી છે…. મિથુન ગોળી છોડે છે… નિશાન ચૂકી જાય છે.
કટ ટુ, મિથુન આગળ જઈને એક સાઈકલની આડશમાં બેઠો છે ! (અલ્યા, અહીં ના તો છૂપાઈ શકાય, કે ન તો પોલીસની ગોળીથી બચી શકાય ! તો કયા હિસાબે સાઈકલની આડશ લીધી છે ?) છતાં અહીંથી ગોળી છોડે છે… નિશાન ચૂકી જાય છે… વ્ઉઉઉ… વ્હુઉઉઉ… કાફલો આગળ વધી જાય છે.
કટ ટુ, મિથુન હવે એક પાતળા થાંભલાની આડશે ઊભો છે ! (એ કાફલાથી આગળ શી રીતે પહોંચી ગયો ? સાઈકલ ચલાવીને ?) ફરી ગોળી છોડે છે… નિશાન ચૂકી જાય છે પણ મિનિસ્ટરની કારનુ ટાયર ફાટી જાય છે. કાર પલ્ટી ખાઈ જાય છે. મિનિસ્ટર ભાગે છે.
કટ ટુ, મિનિસ્ટર દરિયા કિનારે એક બોટની પાછળ સંતાયો છે ! (સિક્યોરીટીવાળા ક્યાં ગયા ? ચા પીવા ? કે પંચર કરાવવા ?)
મિથુન ત્યાં આવીને મિનિસ્ટર સામે ગન ધરી દે છે ત્યારે મિનિસ્ટર શું કહે છે, ખબર છે ? એ કહે છે : ‘શંકર, મુઝે મત મારના ! મુઝે દેશ કી સેવા કરની હૈ !!’
***
આ સિવાય પણ ‘ગુન્ડા’માં ઘણું છે… વિલનોની વીસ વીસ એમ્બેસડર કારો ઘડીકમાં ટોળામાં, તો ઘડીકમાં બબ્બે પેરેલલ લાઈનોમાં, ઘડીકમાં ગોળાકારમાં, તો ઘડીકમાં સર્પાકારે દોડીને મિથુનને ‘દોડાવે’ છે ? કે પોતે ‘કુરિયોગ્રાફી’ની પ્રેક્ટીસ કરે છે ?
જવાબો માટે જરૂર જુઓ ‘ગુન્ડા’… પોતાના ખર્ચે અને જોખમે !
***
'ગુન્ડા'ની જાણી અજાણી વાતો...
* મિથુન ચક્રવર્તીની આ ૨૮૭મી ફિલ્મ હતી !
* દિગ્દર્શક કાન્તિ શાહે લગભગ ૪૫ જેટલી ફિલ્મો બનાવી છે જેમાં મિથુન અને ધર્મેન્દ્ર જેવા સ્ટાર્સ સાથે બે-બે ફિલ્મો છે.
* ફિલ્મને ઘણા બધા વાંધા વચકા અને કટ પછી ‘એ’ સર્ટિફીકેટ મળ્યું હતું.
* ફિલ્મ રીલીઝ થયા પછી મુંબઈ, હૈદરાબાદ અને બેંગ્લોરની કોલેજીયન યુવતીઓએ ફિલ્મમાં હિંસા, સેક્સ અને ‘ઓબ્સિનીટી’ સામે ફરિયાદ કરી હતી. જેના કારણે ફિલ્મને થિયેટરોમાંથી ઉતારી લેવામાં આવી હતી.
* જાણવા મળ્યું હતું કે અમુક સેન્ટરોમાં ફિલ્મની ‘અન-સેન્સર્ડ’ પ્રિન્ટો બતાવાઈ રહી હતી !
* છતાં આજે ‘ગુન્ડા’ તેના ‘KITCH’ ટેસ્ટ યાને કે કડવા છતાં મજેદાર ટેસ્ટ માટે ઓનલાઈન જોવાઈ રહી છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment