ઈઝરાયલ હમાસના ફેસબુક પંડિતો !

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું લોહિયાળ યુદ્ધ અચાનક બંધ થયાના સમાચારે સૌને ચોંકાવી દીધા છે ! ખાસ કરીને સોશિયલ મિડીયા વડે આખી દુનિયા ઉપર ‘વોચ’ રાખનારા એક્સ્પર્ટો ! 

જુઓ અહીં એ પોલિટીકલ પંડીતો શું જ્ઞાન ઝાડી રહ્યા છે…

*** 

- અભિનંદન ! અભિનંદન ! ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ થઈ ગયો છે !

- યસ ! મોદીજીએ પણ અભિનંદન પાઠવી દીધા છે. એટલે હવે ફાઈનલ !

- બોસ, મોદીના કહેવાથી કશું નથી થયું, આ તો ટ્રમ્પે કરાવ્યું છે !

- એક મિનિટ, અહીં ‘યુદ્ધવિરામ’ થયો છે કે ‘શસ્ત્રવિરામ’ ?

- એક મહાન લેખક કહી ગયા છે કે દુનિયાનું સૌથી ઘાતક હથિયાર નારીની જીભ છે..

- આ ભાઈને આજે બૈરી જોડે ઝગડો થયો લાગે છે.

- તો ટ્રમ્પને બોલાવી લો ને ? એ ઝગડો પતાવી આપશે !

- બેસ બેસ હવે ! તારી બૈરી આગળ પણ તારું ક્યાં કંઈ ચાલે છે?

- એક મિનિટ, આ ફેમિલી કોર્ટ નથી !

- બરોબર છે, પણ, મેઈન પોઈન્ટ એ છે કે અહીં ‘શસ્ત્રવિરામ’ થયો છે કે ‘યુદ્ધવિરામ’ ?

- હું જો નેતન્યાહુની જગ્યાએ હોઉં તો મોદીજીની જેમ ‘શસ્ત્રવિરામ’ જ કરું !

- લો, મોદીના ચમચા બોલ્યા !

- અને હું જો નેતન્યાહૂની જગ્યાએ હોઉં તો યુદ્ધ રોકવાની ક્રેડિટ ટ્રમ્પને હરગિઝ ના આપું.

- નેતન્યાહુની જગ્યાએ હોવાની કલ્પના કરતાં પહેલાં આ લોકોએ મિસિસ નેતન્યાહુને પૂછવું ના જોઈએ ? હીહીહી…

- હકીકતમાં આ બધો ટ્રમ્પનો જ રચેલો ડ્રામા છે. એને નોબેલ પ્રાઈઝ નથી મળ્યું એટલે હવે વૉર ફરી ચાલુ થઈ જવાની છે… લખી રાખજો.

- પણ ઇઝરાયેલના લોકો પણ ખુશ છે. ત્યાં ફટાકડા ફૂટી રહ્યા છે.

- વાહ ભઈ વાહ ! ઈઝરાયેલમાં ફટાકડા ફૂટે તો પર્યાવરણને નુકસાન નથી થતું ? બધો વાંક દિવાળીનો જ કેમ કાઢવામાં આવે છે ?

- કોઈને સસ્તા ભાવે સારી ક્વોલિટીનું દારૂખાનું જોઈતું હોય તો કહેજો. આપડે ડાયરેક્ટ શિવકાશીની ફેકટરીમાં માલ આવે છે.

- એવું છે ? લવિંગિયાં અને તારામંડળનો શું ભાવ છે ?

- હોમ ડિલીવરી કરો છો ? અને ગેરંટી ખરી ?

- એક મિનિટ ! મુદ્દો એ હતો કે આ ‘યુદ્ધવિરામ’ છે કે પછી… હલો.. ટોપિક ચેન્જ ના કરો..

***

- મન્નુ શેખચલ્લી

Comments