કેટલાંક સત્યો આપણને મોડે મોડે સમજાતાં હોય છે, અને કેટલાક સુવિચારો એવા હોય છે કે જે આપણને વિચારતા કરી દે છે..! વાંચો નમૂના…
***
જ્યારે માણસ ઓફલાઈન હતો ત્યારે તેને માત્ર ભોજન, નોકરી અને કુટુંબીજનોની ચિંતા રહેતી હતી…
પણ માણસ ઓનલાઈન થયો પછી તે ધર્મ, સમાજ, પોલિટીક્સ, સંસ્કાર, પર્યાવરણ, શેરબજાર, ક્રિકેટરો, મોદી, રાહુલ, ટ્રમ્પ, ટેરિફ, જીએસટી અને પોતાને મળનારી ‘લાઈક’ની ચિંતામાં ફસાયેલો રહે છે.
***
આર્ટીફિશીયલ ઇન્ટેલિજન્સની ચર્ચા આજકાલ તો એવા એવા લોકો કરવા લાગ્યા છે જેમની પાસે ‘નેચરલ ઇન્ટેલિજન્સ’ પણ બે ટકા જ છે !
***
વોટ આપવાથી દેશમાં મોટો બદલાવ આવી જશે એવું જો નેતાઓ માનતા હોત તો એ લોકો આપણને વોટ આપવા જ ના દેતા હોત.
***
અઘરો સવાલ… જો પાણી અને સાબુથી શરીર સ્વચ્છ થાય છે તો પછી નહાવાનો ટુવાલ કેમ મેલો થઈ જતો હશે ?
***
કાળો પણ રંગ છે અને સફેદ પણ રંગ ગણાય છે. તો બ્લેક એન્ડ વ્હાઈટ સીસીટીવીને કલર ટીવી કેમ નથી ગણતા ?
***
જો પત્નીને ‘ધર્મપત્ની’ કહેવામાં આવે છે તો સાળાને ‘ધર્મશાળા’ કહી શકાય કે નહીં ?
***
નેધરલેન્ડમાં ગુનેગારોની સંખ્યા સાવ ઘટી જવાથી ત્યાંની જેલો બંધ કરવામાં આવી રહી છે.
જ્યારે ભારતમાં જગ્યાના અભાવે આપણે ગુનેગારોને સંસદમાં બેસાડવા પડે છે.
***
મોદીના કટ્ટર સમર્થક અને મોદીના કટ્ટર વિરોધીઓમાં એક વાત કોમન છે…
જ્યારે પણ દુનિયામાં કે ભારતમાં કોઈ ઘટના બને ત્યારે આ બંને ટાઈપના લોકોને લાગે છે કે ‘આમાં મોદીનો જ હાથ છે !’
***
અને છેલ્લે કડવું સત્ય…
ભારતમાં અબજો રૂપિયાની લોન લે છે એ લોકો દેશ છોડીને ભાગી જાય છે.
જે લોકો નાની નાની લોન લે છે એવા ખેડૂતોની લોન માફ થઈ જાય છે.
અને જે લોકો લોન લેતા જ નથી એમની પાસેથી આ બંનેની રકમો વસૂલ કરવામાં આવે છે ! જય હો…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment