વરસમાં એક જ વાર ઘરમાં રહેલી આ ‘ખૂફિયા’ જગ્યાને યાદ કરવામાં આવે છે ! ‘માળિયું’ નામની એ જગ્યાની સાફસૂફી વખતે બહેનોને ખાસ વિનંતી છે કે નીચેની સૂચનાઓ ધ્યાનથી વાંચી લે…
***
સુચના (૧)
માળિયામાં સફાઈ ચાલતી હોય ત્યારે તમારા મોં અને માથા ઉપર કપડું બાંધી રાખવું…
- કેમકે તમારા પતિ ‘લાગ’ જોઈને તમારી ઉપર કચરો પાડી શકે છે !
***
સુચના (૨)
માળિયામાંથી ગમે તે ક્ષણે કોક્રોચ, જીવડાં, મંકોડાં, તમરાં વગેરે બહાર કૂદકો મારીને આવી શકે છે ! તો હાથમાં ‘હિટ કોક્રોચ’ તૈયાર રાખો…
- અને જો ગરોળી જમ્પ મારતી આવી પડે તો તાત્કાલિક દોડીને બાથરૂમમાં ઘૂસી જવાની તૈયારી રાખવી !
***
સુચના (૩)
પતિ માળિયામાં બુકાની બાંધીને કોઈ આતંકવાદી કે ચોરની જેમ અંદર બેઠા હોય તેવા ફોટો ફેસબુકમાં મુકવો નહીં…
- કેમકે, બહેનપણીઓ કોમેન્ટ કરશે કે ‘નવો રાખ્યો છે ?’
***
સુચના (૪)
જો તમારા પતિ સરખી રીતે સાફસૂફી ના કરતા હોય તો પાડોશણના પતિને સ્માઈલ આપીને બોલાવો !
- જો એમ કરવાથી પાડોશણ ચીડાઈ જાય તો પાડોશણને કહો કે એ તમારા પતિને સ્માઈલ આપીને બોલાવે ! વિના સહકાર, નહીં ઉધ્ધાર !
***
સુચના (૫)
‘સંઘરેલો સાપ પણ ક્યારેક કામમાં આવે…’ આ કહેવત સારી છે પણ પતિના ફોટા સાથે આવું લખવું નહીં !
***
સુચના (૬)
માળિયામાંથી નીચે ઉતારેલાં જુનાં તાંબા પીત્તળનાં વાસણો સાથે પતિનો ફોટો ભલે મુકો પરંતુ નીચે ભૂલથી પણ ના લખતા કે ‘નાઈસ એન્ટિક પિસ…’
***
સુચના (૭)
અને સાફસફાઈ કર્યા પછી રફેદફે થઈ ગયેલા પતિ જ્યારે બાથરૂમમમાં નહાવા જાય ત્યારે સીડી પર ચડીને સાવરણી સાથે મસ્ત સેલ્ફી લઈને ફેસબુકમાં મુકવાનું ભૂલતા નહીં !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment