સેલિબ્રિટીને શુભ શુભ શુભેચ્છાઓ !

આવનાર વર્ષમાં જાણીતી સેલિબ્રિટીઓને આપણે ડીએમ (ડાયરેક્ટ મેસેજ) તો કરી શકતા નથી. (કરીએ તોય એ ક્યાં નવરા છે, વાંચવા માટે ?) એટલે આ રીતે જાહેરમાં જ શુભેચ્છાઓ પાઠવી લઈએ…

*** 

કરણ જોહરને શુભેચ્છા કે આવનારા વરસમાં એનાં બેસી ગયેલા ગાલ થોડા ફૂલેલા દેખાય…

અને આદર પૂનાવાલાને શુભેચ્છા કે એમના ૧૦૦ કરોડનું એકાદ બે કરોડ વળતર પણ મળે કરણ જોહર પાસેથી !

*** 

અર્જુન કપૂરને શુભેચ્છા કે એનો એકાદ ‘હિટ એન્ડ રન’ કેસ થાય ! 

કેમકે થિયેટરોમાં નહીં તો છેવટે સડક ઉપર તો એકાદ ‘હિટ’ મળે ? અને ફિલ્મ નહીં તો કાર, ‘રન’ તો થાય ?

*** 

એ જ રીતે કંગના રાણાવતને શુભેચ્છા કે એના સરકારી બંગલામાં અસંખ્યા માખીઓનો ત્સ વધી જાય ! 

જેથી કંગનાબેનને કંઈ ‘કામ’ તો મળે ?

*** 

વિરાટ કોહલી અને રોહિત શર્માને શુભેચ્છાઓ કે આવનારા વરસમાં એમને ગોલ્ફની ગેમમાં અનેક ઇનામો અને ટ્રોફીઓ મળે! 

કેમકે એ સિવાય તો આ બે જણા ક્રિકેટમાંથી રિટાયર થવાના નથી…

*** 

અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન નકવીને શુભેચ્છા કે તેમને રોહિત અને વિરાટની ટ્રોફીઓ પણ ચોરીને ઘરે લઈ જવાની તક મળે ! 

કેમકે એ સિવાય તો એમને પણ કોઈ એટેન્શન મળતું નથી…

*** 

અમેરિકાના ટ્રમ્પને શુભેચ્છાઓ કે આખા વરસ દરમ્યાન અમેરિકામાં સતત ‘અશાંતિ’ જ રહે ! 

કેમકે એ એક જ રીતે દુનિયાના બાકીના દેશોમાં ‘શાંતિ’ રહે એવું છે…

*** 

અને મોદીજીને શુભેચ્છા કે આવનારા એક વરસનું નહીં, અનેક વરસ સુધી રાહુલજી જ કોંગ્રેસના આગેવાન રહે ! 

કેમકે એમાં જ બંનેનો ફાયદો છે !

હેપ્પી ન્યુ યર !

***

- મન્નુ શેખચલ્લી

Comments