દિવાળીના તહેવારમાં એકબીજાને મીઠાઈઓ આપવાનો રીવાજ છે. (પછી ભલે ફ્રીજમાં પડી પડી બગડી જાય.) પરંતુ તમને નવાઈ લાગશે, અમુક મીઠાઈઓ જરાય ‘સ્વીટ’ નથી હોતી…
***
કોણીએ લગાડેલો ગોળ !
નેતાઓ વચનો આપીને પ્રજાને કોણીએ ગોળ લગાડે છે. કંપનીઓ કર્મચારીઓને અપ્રેઇઝલનો ગોળ કોણીએ લગાડીને મજુરી કરાવે છે. વેપારીઓ ભાવ દોઢા કરીને પછી ‘ડિસ્કાઉન્ટ’નો ગોળ ગ્રાહકોની કોણીએ લગાડીને છેતરે છે. અને ઓનલાઈન ફ્રોડ કરનારા રોકાણ સામે લાખોની કમાણીનો ગોળ ચોંટાડીને ટોપી કરી જાય છે…
***
લાકડાના લાડુ !
જુની કહેવત એવી હતી કે ‘લગ્ન તો લાકડાના લાડુ છે, ખાય એ પણ પસ્તાય અને ન ખાય એ પણ પસ્તાય…’ પરંતુ આજના જમાનામાં એ જ વાત સેલ્ફ ફીનાન્સ શાળા-કોલેજોને લાગુ પડે છે ! માબાપને લાગે છે કે છોકરો ભણશે નહીં તો બિચારો રખડી પડશે… અને છોકરાં ભણી લે પછી ખબર પડે છે કે લાખોની ફી ભર્યા બાદ મળેલી ડીગ્રીની કોઈ જ વેલ્યુ નથી…
***
પારકા ભાણાંના લાડુ !
યાને કે ઈર્ષ્યાથી પેદા થતું દુઃખ ! આજે દરેક માણસને બીજાની કાર, બીજાની પત્ની અને બીજાના સોશિયલ મિડીયાના ફોટા પોતાનાં કરતાં સારાં જ લાગે છે ! એટલે જ તો જુની કહેવત પડી છે કે ‘પારકા ભાણે મોટા લાડુ’…
***
બગાસું ખાતાં પતાસું !
આજે ગુજરાતના જુના કોંગ્રેસીઓ અને દેશના આળસુ કામચોર ગરીબો આ વાત સમજી ગયા છે ! કે કશુ કર્યા વિના બેસી રહીશું તો ભાજપવાળા પક્ષપલટો કરાવીને મિનિસ્ટર બનાવશે ! અથવા સરકાર મફતનું અનાજ અને માફ કરવાવાળી લોનો અપાવશે ! જલસા કરો…
હેપ્પી દિવાલી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment