‘દિવાળીના તહેવાર નિમિત્તે કોમન પ્લોટમાં સ્નેહમિલન રાખેલ છે. સૌ માટે ચા-નાસ્તો છે. તેથી સૌ મેમ્બરે ૨૦૦ રૂપિયા ફાળો જમા કરાવવા વિનંતી છે.’
‘અડધા લોકો તો બહારગામ ગયા હશે… તો આવા તાયફા શું લેવા કરો છો ?’
‘નવરાત્રિ વખતે બી ૫૦૦-૫૦૦ ઉઘરાયેલા. પણ નાસ્તામાં કંઈ ભલીવાર નો’તો.’
‘ઓ માસી ! ગરબા રમ્યા વિના ઘરનાં સભ્યો કરતાં ડબ્બલ ડીશો કોણ ઘરે લઈ જતું હતું, તે બધા જાણે છે ! છતાં કોઈ ભૂખ્યા રહ્યા હોય તો બોલો.’
‘વારેઘડીએ પૈસા ઉઘરાવવા પાછળ શેની ભૂખ છે એ પણ બધા જાણે છે હોં.’
‘અમે પૈસાના ભૂખ્યા નથી. સંભાળીને બોલો.’
‘તો પછી આ અંદરો અંદરનું લક્ષ્મીપૂજન નથી તો બીજું શું છે ?’
‘અમે તો મહાબળેશ્વર જવાના છીએ.’
‘અમે યુરોપ છીએ, આ વખતે.’
‘એ તો ફોટા મુકે ત્યારે જ ખાતરી થાયને.’
‘એઆઈથી બધા ફોટા બની શકે છે.’
‘બધાને દેખાડો જ કરવો છે. મૂળ ભાવના તો ભૂલાઈ જ ગઈ છે.’
‘અંકલ હજી સ્કુલવાળી ભાવનાને ભૂલી શકતા નથી.’
‘તું દોઢ ડાહ્યો થયા વિના બેસ છાનોમાનો ! તારાં લફરાંની બધાને ખબર છે.’
‘મિત્રો, દિવાળીની રાતે સામુહિક દારૂખાનું ફોડવાનો પ્રોગ્રામ રાખેલ છે તેના ૧૦૦ રૂપિયા એકસ્ટ્રા આપવાના રહેશે.’
‘હવે આ રૂપિયાનો ધૂમાડો નથી તો બીજું શું છે ?’
‘ઓ ભાઈ, આ વખતે આપણે ગ્રીન ફટાકડા લાવ્યા છીએ. ધૂમાડો ઓછો થશે.’
‘ફટાકડા તો લાલ જ સારા લાગે. આ ‘ગ્રીન’ પાછળ કમિટિનો કોઈ એજન્ડા લાગે છે.’
‘ઓ વડીલ, આ તમારી ભગવા સરકારે જ આદેશ આપ્યો. છે. સમજ્યા ?’
‘મિત્રો, ગ્રુપમાં પોલિટીક્સ ના ધૂમાડો.’
‘લો, લાંચિયા ચેરમેન બોલ્યા…’
‘એ લુખ્ખા ! ઘરમાં બેઠો બેઠો શું લવારી કરે છે ? બહાર આવ તો ખબર પાડું !’
‘ક્યાં આવું ? લીક થતી ટાંકી નીચ કે બગડી ગયેલી લિફ્ટ પાસે ?’
‘હલો… સાંભળો… સ્નેહમિલન તથા અન્ય તમામ પ્રોગ્રામો કેન્સલ છે, અનિવાર્ય સંજોગોને કારણે…’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment