રાજકીય પંડિતો કહે છે તેમ, દેશ અને દુનિયાની સ્થિતિ ‘સ્ફોટક’ છે ! એટલે જ, અગાઉનાં વરસની જેમ આ દિવાળીએ પણ પ્રસ્તુત છે… નવી સિઝનનું દારૂખાનું !
***
રાહુલબાબાની ભોંયચકરી :
આ વખતે મફતિયા ‘મહિને ૮૦૦૦’ જેવી ઊંચી ઊંચી ‘હવાઈઓ’ છોડવાને બદલે રાહુલજીએ ચૂંટણીપંચના પાયામાં જ ‘વોટચોરી’ની ભોંયચકરીઓ છોડી મુકી છે ! અને જુઓ… પંચના અધિકારીઓ તણખાથી બચવા માટે કેવા ઠેકડા મારી રહ્યા છે !
***
દસ હજારી લૂમ… ભાજપની :
મહારાષ્ટ્રમાં ‘લાડલી બહિણ’ નામની ફૂલઝડી ચાલી ગઈ એ જોઈને બિહારમાં મહિલાઓ માટે ખાસ ૧૦,૦૦૦ ફટાકડાની લૂમ લોન્ચ કરી છે ! જે હમણાં તો ખૂબ અવાજ કરશે, પણ એક વાર સરકાર બની ગયા પછી એમાંથી કેટલા ફટાકડા હવાયેલા નીકળશે તેની ગેરંટી નથી !
***
ટ્રમ્પ છાપ ભીંતભડાકા :
આ વખતે તો ઇન્ટરનેશનલ લેવલે પણ બહુ દારૂખાનું ફૂટી રહ્યું છે. એમાંય ૨૦૨૫ની જાન્યુઆરી પછી ટ્રમ્પ છાપ ટેરિફના ભીંતભડાકાએ સૌના કાન બહેરા કરી નાંખ્યા છે ! આ ભીંતભડાકાની ખાસિયત એ છે કે એમાં પોટાશ ભલે ઓછો અને પોલો હોય, પણ એને જેટલી તાકાતથી પછાડવામાં આવે છે એમાં જ ‘વોર’ જેવી ઈફેક્ટ આવે છે !
***
શાહબાઝ છાપ સૂરસૂરિયા :
એક બાજુ આર્મી ચીફ મુનીરે પૂંછડું ખેંચીને રાખ્યું છે, બીજી બાજુ બલુચિસ્તાનવાળા પૂંઠમાં આગ ચાંપી રહ્યા છે, ત્રીજી બાજુ ટ્રમ્પ પીઠમાં સળગતા કાકડા મારે છે કે શાબાશીના ધબ્બા મારે છે એ જ સમજાતું નથી… સરવાળે શાહબાઝ શરીફનું જ્યાં જાય ત્યાં સૂરસૂરિયું થઈ રહ્યું છે !
***
મોદી બ્રાન્ડ આતશબાજી :
આ તમામ ધડાકા ભડાકા વચ્ચે મોદીજીનો ઇન્ટરનેશનલ ગગનમાં ભવ્ય આતશબાજીનો શો ચાલી રહ્યો છે ! નીચેવાળાને સમજાતું જ નથી કે આ બધા જે રંગબિરંગી આસમાની સાથિયા બની રહ્યા છે એમાં આપણને કંઈ મળવાનું છે ? કે પછી આપણે માત્ર વાહ વાહ જ કરવાની છે ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment