ગુજરાત સરકારે ગાઈડલાઈન બહાર પાડી છે કે આપણે દિવાળીના તહેવારોમાં માત્ર ૮ થી ૧૦ વચ્ચે જ ફટાકડા ફોડવાના છે ! હવે જો આનો ખરેખર કડકાઈ અમલ થશે… તો ?
***
તો શું આપણે ફટાકડા ખરીદતી વખતે ‘સોગંદનામું’ લખી આપવું પડશે કે ‘હું ફલાણા ફલાણા, આધારકાર્ડ નંબર ફલાણા, રહેઠાણ ફલાણા. આથી ખાતરી આપું છું કે આ ફટાકડા…’ વગેરે વગેરે ?
***
અને જો એ ફટાકડા કોઈ બીજી જ વ્યક્તિ ફોડતાં પકડાય તો શુ પોલીસ ફરિયાદ નોંધાવવાની કે, ‘મજકુર શખ્સ મારા ઘરમાંથી સદરહુ ફટાકડા ચોરી ગયો હતો…?’
***
અચ્છા, મોબાઈલ વડે જો તમે સૌને ફટાકડા ‘ફૂટતા હોય’ એવા હેપ્પી દિવાલીના મેસેજો મોકલતા હશો, તો શું નીચે ચેતવણી લખવી પડશે કે –
‘આ મેસેજ રાતે ૮ થી ૧૦ વચ્ચે જ ખોલવો… નહીંતર જો પોલીસ કેસ થાય તો અમારી જવાબદારી નથી ! હા..’
***
જો આમ જ ચાલ્યુ તો ભવિષ્યમાં એવી જાહેરાતો પણ આવશે કે –
‘રોજના ૫૦૦ થી ૫૦૦૦ બાવો ! સળંગ બે કલાક સુધી નોન-સ્ટોપ’ જોરદાર અવાજે ફટાકડા ફૂટ્યા જ કરતા હોય એવી ‘ઓડિયો-ફાઈલ’ ડાઉનલોડ કરી લો… માત્ર ૧૦૦ રૂપિયામાં ! પછી ઉત્તરાયણની જેમ મોબાઈલના સ્પીકરો સાથે જોડીને પ્રદૂષણ નિવારણ ઝુંબેશમાં જોડાઈ જાવ !
***
અમુક સેવાભાવી સજ્જનો કહે છે કે ભલે આપણે ફટાકડા ફોડીએ નહીં, પણ કારીગરોને રોજી મળે એટલા ખાતર ફટાકડા ખરીદવા તો જોઈએ જ !
સવાલ એ છે કે વડીલ, એ ફટાકડા ખરીદીને કરવાનું શું ? પાણી છાંટીને શો-કેસમાં મુકી રાખવાનાં ? કે એનાં તોરણ બનાવવાનાં ?
***
ચાર વરસ પહેલાં ચીનથી ન્યુઝ આવ્યા હતાં કે એ લોકો જરાય ધૂમાડો ના થાય એવા ફટાકડાની શોધ કરવાના હતા…
- પછી એનું શું થયું ? સાવ આળસુ છે ચીનાઓ !
***
અને હલો, આ ‘ફટાકડા’ અને ‘દારૂખાનું’ એ બે અલગ અલગ ચીજો જ થઈ ને ?
- આ તો જસ્ટ ‘ડ્રાય’ સ્ટેટવાળા ગુજરાતી તરીકે એક સવાલ થાય છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment