આજના સમયમાં ‘કહ્યાગરા કંથ’ની સંખ્યા વધતી જાય છે. પરંતુ એ પતિદેવો જાહેરમાં બીજા આગળ એવું કબૂલ કરતા નથી !
પણ હવે એનું પણ સોલ્યુશન આવવાનું છે. પતિઓ હવે પદવીઓ યાને કે ‘પોસ્ટ’ ધારણ કરતા હશે ! જુઓ...
***
કોઈ પરણેલો યુવાન કહેતો હોય કે હું તો હાલમાં ‘ડોમેસ્ટિક એનવાયરનમેન્ટલ હાઈજિન ઇન-ચાર્જ (ગ્રાઉન્ડ લેવલ)’ની પોસ્ટ પર કામ કરું છું...
તો સમજવું કે તે ‘કચરા કાઢવાનું’ કામ કરે છે !
***
એ જ રીતે કોઈ ભાઈ પાનના ગલ્લે ઊભાં ઊભાં રોલો મારતો હોય કે ‘યાર, હમણાંથી મને એકસ્ટ્રા ચાર્જ મળ્યો છે.. હું હવે ‘યુટેન્સિલ હાઈજિન મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ’ બની ગયો છું…’
તો સમજવું કે ભાઈ આજકાલ ઘરમાં વાસણ માંજે છે !
***
અને જો કોઈ પરણેલો જુવાન એમ કહે કે હું તો હવે ‘ગ્રીન-ફૂડ પ્રિ-પ્રોસેસિંગ કો-ઓર્ડીનેટર’ બની ગયો છું...
તો એનો અર્થ એમ થયો કે જુવાન આજકાલ પત્નીને શાક સમારી આપે છે !
***
એમ તો કોઈ વડીલ પણ આજના યુવાનો સામે ડંફાશ મારશે કે હું તો ‘ગ્રીન ફૂડ્ઝ એન્ડ ડોમેસ્ટિક સપ્લાઈઝમાં પરચેઝ મેનેજર’ છું...
તો માનવું કે વડીલને માથે ઘરનાં શાકભાજી તથા કરિયાણું ખરીદી લાવવાની જવાબદારી છે !
***
અમુક એપોઈન્ટમેન્ટો હંગામી યાને કે ટેમ્પરરી પણ હશે. જેમકે ‘એસોસિએટ પ્રોડક્શન મેનેજર, ઇન સ્પાઇસિસ એન્ડ લોંગ ટર્મ કન્ઝમ્શન્સ ડિપાર્ટમેન્ટ’...
તો એટલું જ સમજવાનું કે ઘરમાં અથાણાં બની રહ્યાં છે અને ભાઈશ્રીનું કામ ધાબે જઈને બધું ‘તડકે’ નાંખવાનું છે !
***
આજના યુવાન હસબન્ડોની ઓલરેડી ડબલ ડ્યુટી છે.
(૧) ડોમેસ્ટિક ચાઈલ્ડ કેર ઇમરજન્સી, હેલ્પલાઈન... જેનો મતલબ : રડતાં બાળકોને સંભાળવાના !
અને (૨) ડોમેસ્ટિક એજ્યુકેશન સપોર્ટ સિસ્ટમ, ઓફલાઈન હેન્ડલર... યાને કે બાળકોને હોમવર્ક કરાવવું !
***
બાકી જેઓ ‘ડોમેસ્ટિક ફિઝિયોથેરાપીની સ્પેશીયલ ડ્યુટી’માં છે...
તેઓને રોજ પત્નીના પગ દબાવી આપવાના હોય છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment