કરવા ચોથ પછીનું ચિંતન !

કરવાચોથ તો ગઈ. એની જોક્સ પણ આવી ગઈ, મિમ્સ પણ આવી ગયાં, પતિઓ (અમુક જ પતિઓ) હરખાઈ પણ ગયા, પત્નીઓ (લગભગ બધી પત્નીઓ) વ્રત ન રાખ્યું હોય તો પણ ‘હેપ્પી કરવાચોથ’ના મેસેજો કરીને ખુશ થઈ…

પરંતુ અમને લાગે છે કે ગુજરાતના જ્ઞાનીઓ, સંશોધકો અને મહાન ચિંતનકારોએ ફરી એકવાર એક સુંદર તક ગુમાવી દીધી છે !

*** 

સૌથી પહેલાં તો રિસર્ચ કરવાની જરૂર છે કે ગુજરાતમાં કરવાચોથનો ‘પ્રચાર-પ્રસાર’ કરવામાં એકતા કપૂરની સિરિયલનો કેટલો ફાળો છે ?

*** 

બીજી રિસર્ચ એ પણ કરવાની જરૂર છે કે જેમ દશેરાની આસપાસ વાહનોનું વેચાણ વધી જાય છે તેમ કરવાચોથ પહેલાં ‘ચાળણીઓ’નું વેચાણ કેટલા ટકા વધે છે ?

*** 

ગુજરાતના પતિઓ એ પણ જાણવા માગે છે કે ગુજરાતની કેટલી પત્નીઓ એમ માને છે કે લોટ ચાળવા માટેની ચાળણી તથા પતિનું ડાચું જોવા માટેની ચાળણી અલગ-અલગ હોય છે?

*** 

સામાજિક સંસ્થાઓએ તો સરવે કરાવવાની જરૂર છે કે ૧૯૯૪માં ટીવી સિરિયલો શરૂ થયા પછી કેટલા ગુજરાતી પતિઓની ઉંમર ખરેખર લાંબી થઈ છે ?

*** 

બાકી, ગુજરાતના મહાન જ્ઞાની ચિંતનકારોએ તો ખરેખર મોટી તક વેડફી નાંખી છે !

એમણે એમનાં ભાષણોમાં બિલકુલ ‘ડીપ’માં જઈને સમજાવવાની જરૂર હતી કે આ ‘ચોથ’ દર વખતે ‘ચોથ’ની તિથિએ જ શા માટે આવે છે ? શા માટે ત્રીજને દિવસે ચોથ નથી હોતી ? અને શા માટે પાંચમ ‘પછી’ ચોથ નથી આવતી ?

*** 

એ જ રીતે ચોથ યાને કે ચતુર્થીનો આખો મહિમા તો કર્યો જ નહીં ! જેમકે…

નારીમાં કઈ કઈ ચાર શક્તિઓ રહેલી છે ? (જેમકે જીભ-શક્તિ, વેલણ-શક્તિ, અશ્રુશક્તિ યાને કે પાવર ઑફ ટીયર્સ અને ‘નારી-શક્તિ ! એ તો ગમે ત્યાં ફીટ કરી શકાય ને ?’)

*** 

અરે, ‘ચાળણી’ જ કેમ ? (બોલો, તમે પણ નહોતું વિચાર્યું ને !)
પતિ-પત્નીએ લગ્નજીવનમાંથી કયા કયા અવગુણોને ‘મનની ચાળણી વડે’ ગાળીને દૂર કરવાના છે ?

અને ખાસ તો… પત્ની ભલે ચાળણીમાંથી પતિને નિહાળે છે, પરંતુ મિત્રો, જીવનમાં ‘સાચી ચાળણી’ ક્યાં હોય છે ?

*** 

પણ વાંધો નહીં, હજી ચાન્સ છે.. આ દિવાળીમાં ‘સાચી સોનપાપડી’ કે ‘સાચા ઘુઘરા’ ક્યાં રહેલા છે તેના વિશે તો જરૂર લખાશે !

***

- મન્નુ શેખચલ્લી

Comments