ફેક-ન્યુઝ ચેનલના લેટેસ્ટ બુલેટીનમાં આપ સૌનું સ્વાગત છે…
આજની સૌથી મોટી ખબર આવી રહી છે વોશિંગ્ટનથી…
વ્હાઈટ હાઉસની કંપાઉન્ડ વોલની પાળી પર બેસીને દૂરબીન વડે ચાંપતી નજર રાખી રહેલા અમારા બેખબરપત્રી લાવ્યા છે એકદમ અંદરની ખબર…
ખબર એવી છે કે વિશ્વશાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ ન મળવાથી ભૂરાયા થયેલા ટ્રમ્પે ભલે પત્રકાર પરિષદમાં ચાંપલી-ઠાવકી વાતો કરી હતી પરંતુ ત્યારબાદ વ્હાઈટ હાઉસના ટોઇલેટમાં જઈને એમણે પોતાનો ગુસ્સો ટોઈલેટ પેપરના રોલ ઉપર કાઢઅયો હતો !
તમે જોઈ શકો છો કે ફાટી-તૂટીને કુચા જેવા થઈ ગયેલા ટોઈલેટ પેપરનો આ ડૂચો… અને તમે કલ્પના કરી શકો છો કે ટ્રમ્પનો ગુસ્સો કેટલા ડેસિબલ સુધી પહોંચ્યો હશે…
વોશરૂમમાંથી બહાર આવ્યા બાદ ટોઈલેટ પેપરના ઝીણા ઝીણા અવશેષો પોતાના વાળ તથા કોટ ઉપરથી હાથ વડે ઉડાડતાં તેમણે ફરીથી ઠાવકો ચહેરો ધારણ કરીને નિવેદન કર્યું છે :
‘ભલે મને આ વરસે નોબેલ પ્રાઈઝ નથી મળ્યું. પરંતુ આવતા વરસે હું તેને મેળવીને જ રહીશ… તેના માટે થઈને હું અજરબૈજાન, સ્લોવેકિયા, નોર્વે, તિમ્બક્તું, રવાન્ડા, ડોમિનિકા, બર્મુડા, મોનાકો, શેસેલ્સ, બોસ્તાનવા અને બુરુન્ડીમાં ચાલતાં તમામ યુધ્ધો બંધ કરાવીશ.’
જ્યારે પૂછવામાં આવ્યું કે આ દેશોમાં યુદ્ધો ચાલી જ નથી રહ્યા તો બંધ શી રીતે કરાવશો ? તેના જવાબમા ટ્રમ્પે વોશરૂમનું બારણું પછાડતાં જણાવ્યું હતું કે ત્યાં યુદ્ધો નથી તો શું થયું ? હું શરૂ કરાવીશ !
ટ્રમ્પે વધુમાં દાવો કર્યો હતો કે ચંદ્ર અને મંગળ વચ્ચેનું યુદ્ધ પણ તેઓ ટુંક સમયમાં અટકાવી દેવાના છે. બંને ગ્રહોને ચાર જ દિવસમાં યુદ્ધ અટકાવવાની ચેતવણી પણ અપાઈ ગઈ છે…
વધુ મનોરંજક સમાચારો માટે જોતા રહો અમારી ફેક-ન્યુઝ ચેનલ…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment