ઘડપણનાં 'ઘડાયેલાં' વાક્યો !

ખરેખર તો જ્યારે ઘડપણ આવે છે ત્યારે જ માણસ ઘડાય છે. જો તમે એ અવસ્થામાં છો, અથવા એની તૈયારીમાં છો તો આટલું સમજી લેજો…

*** 

જો તમારી દરેક વાતની શરૂઆત ‘અમારા જમાનામાં તો…’ એવું આવતું હોય તો સમજી લેવું કે હવે તમે ચોક્કસપણ ઘરડા થઈ ગયા છો.

*** 

તમારી ઉંમર જાણ્યા પછી લોકો આશ્ચર્યથી એમ કહેતા હોય કે ‘ઓહોહો ? પણ તમે એટલાં લાગતા નથી !’

તો એમાં બે શક્યતા છે. 
(૧) તમે પુરુષ હો તો તમે ઘરડા થઈ રહ્યા છો. 
અને (૨) જો તમે મહિલા હો તો તમારી જવાની હવે ટુંક સમયમાં ‘જવાની’ છે !

*** 
જો આ ઉંમરે તમારા જુના મિત્રોથી તમે છૂટા પડી ગયા હો, અને તમે ‘નવા મિત્રો’ બનાવી ના શકતા હો તો આ ટ્રાય કરો…

કાં તો તમે બગીચામાં જે બાંકડે બેસીને રોજ પંચાત કરો છો એ બગીચો બદલો…

અથવા ફેસબુકમાં સાવ ભલતી જ વ્યક્તિનો ફોટો મુકીને નવું એકાઉન્ટ ચાલુ કરો. (સુંદર દેખાતી યુવતીનો ફોટો મુકવાથી ‘ફ્રેન્ડ્ઝ’ની સંખ્યા તાત્કાલિક વધે છે.)

*** 

જો આ ઉંમરે તમને કંઈક નવું શીખવાના ધખારા ચડતા હોય તો…

- ચૂપ રહેવાનું શીખો !

***
 
મોટી ઉંમર હોવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે તમારાં એવા એવાં પરાક્રમો લોકોને સંભળાવી શકો છો…

જે તમે કદી કરી જ શક્યા નથી !

*** 

મોટી ઉંમરનો બીજો ફાયદો એ છે કે આખી જિંદગીમાં તમે કશુંય નોંધપાત્ર કર્યા વિના જ…

સન્માનને લાયક બની જાવ છો !

*** 

સો વરસ સુધી જીવવાનો આઈડિયા સૌને ગમે છે પરંતુ એના માટે ‘ઘરડા’ થવું પડે તે કોઈને પસંદ નથી !

*** 

ઘડપણમાં સ્વસ્થ જીવન જીવવા માટે ત્રણ વાતો યાદ રાખો… એક, હંમેશા દિમાગને ફ્રેશ રાખો. અને…

બીજી બે વાતો યાદ આવે એટલે કહું !

***

- મન્નુ શેખચલ્લી

Comments