અખબારમાં આવતી અમુક ‘ખબર’ એવી હોય છે કે એનાં ખબર-અંતર પૂછો તો અંદરથી બીજું જ નીકળતું લાગે છે ! જેમકે…
***
ઈટાલી, ગ્રીસ, બ્રિટન વગેરે દેશોમાં લાખો લોકો રસ્તા ઉપર આવી ગયા… ઇઝરાયેલનો વિરોધ કરવા માટે.
ફ્રાન્સનાં ૨૦૦ જેટલા શહેરોમાં લાખો લોકો રસ્તા ઉપર આવી ગયા… બજેટના પ્રસ્તાવોનો વિરોધ કરવા માટે.
અને ભારતના ચેન્નાઈમાં લાખો લોકો રસ્તા ઉપર આવી ગાય… એક ફિલ્મી સ્ટારને જોવા માટે ! જેમાં ૪૦ જણા ધક્કામુક્કીમાં જ મરી ગયા !
ઇન્ડિયાની વાત જ અલગ છે, ભૈશાબ ?
***
ગુજરાતમાં ૨૦૨૩ની સાલમાં ૯૬૮ લોકોની હત્યા થઈ, પણ ૯૦૦૦ લોકો તો જાતે જ મરી ગયા… આત્મહત્યા કરીને !
ગુજરાતની વાત જ અલગ છે, ભૈશાબ !
***
એ તો ઠીક, ગુજરાતમાં ૨૩૨ હિંસક છમકલાં થયાં એમાં માત્ર ૧૭માં ‘કોમી-તત્વો’ જવાબદાર હતાં… અને ૭૨ ઘટનાઓમાં ‘પ્રેમી-તત્વો’ જવાબદાર હતાં !
વાત અલગ છે, ગુજરાતની ભઈ !
***
ભારતમાં ડિપ્રેશનની દવાઓનું વેચાણ એક જ વરસમાં ૬૩ કરોડથી વધીને ૮૫ કરોડનું થઈ ગયું !
આમાં તો એમ કહેવું પડે કે ‘જેન-ઝિ’ની વાત જ અલગ છે !
***
બિહારની ચૂંટણીમાં ઈવીએમ ઉપર ઉમેદવારોની રંગીન તસવીરો છાપેલી હશે.
હા ભાઈ હા, મત આપતાં પહેલાં ધ્યાનથી ચહેરો જોઈ લેજો… કેમકે પાંચ વરસ સુધી એ ચહેરા ફરી જોવા મળશે નહીં !
***
કોંગ્રેસનો દાવો છે કે બિહારની મતદાર યાદીમાંથી ૩૩ લાખ જેટલી મુસ્લિમ અને દલિત મહિલાઓનાં નામ ખોટી રીતે કાઢી નંખાયાં છે.
યાર, કોંગ્રેસે ઉતાવળ કરી નાંખી ! આવી ફરિયાદ તો ચૂંટણી હારી ગયા પછી જ કરવાની હતી ને ?
***
કહે છે કે ૧૦૦માંથી ૩ બાળકોને મગજમાં લકવો મારી જવાની બિમારી થાય છે.
પણ ભૈશાબ, મત આપતી વખતે ૧૦૦માંથી ૯૦૦ લોકોનાં દિમાગને લકવો મારી જાય છે એનું શું ?
***
અમદાવાદની એક દુકાનમાં મફત પિત્ઝા ખાવા માટે જબરદસ્ત ભીડ ઉમટી પડી.. ત્યાં આડેધડ પાર્ક થયેલા વાહનો ઉપર પોલીસે ધડાધડ દંડ લગાડ્યા !
વાહ ! નેકસ્ટ ટાઈમ આવા ‘ટાર્ગેટ’ પુરા કરવા માટે ટ્રાફિક પોલીસે જ આવી સ્કીમો મુકવા જેવી છે ! (પિત્ઝા શોપના સહયોગથી !)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment