આઈફોન-૧૭ના પણ ભક્તો છે !

એક બાજુ મોદી સાહેબ કહી રહ્યા છે કે ‘વિદેશી ચીજોને બદલે ભારતીય ચીજો ખરીદો !’ 

તો બીજી તરફ સાહબેના જ ‘ભક્તો’ આઈ-૧૭ માટે લાગેલી લાઈનના ફોટા મુકીને ગર્વથી લખે છે : ‘ઔર કિતના વિકાસ ચાહિયે !’ ‘કૌન કહેતા હૈ ભારત મેં ગરીબી હૈ…’ વગેરે.

*** 

એક તો યાર, આ જેન-ઝિનું વર્તન પણ સમજાતું નથી ! પેલી બાજુ રાહુલ ગાંધીએ એલાન કર્યું કે ‘જેન-ઝિ… સડકોં ઉપર ઉતર આવો !’

- અને આ જેન-ઝિ સડકો ઉપર આઈફોન-૧૭ માટે લાઈન લગાવવા ઉતરી પડી !

*** 

મોટાભાગના વડીલોને એ જ સમજાતું નથી કે ભઈલા, 'એવું તો શું છે એમાં ?‘

તો વડીલોને કેવાનું કે તમે આવો જ સવાલ મોદી ભક્તોને પૂછી લો, અથવા રાહુલભક્તોને પૂછી લો !

*** 

આઈફોનના ભક્તોને ત્રણ કેટેગરી છે :

(૧) આઈફોન લવર…
જે પોતાની સાડા ત્રણ મહિનાની સેલેરી બચાવીને આઈફોન- ૧૭ ખરીદે છે

(૨) આઈફોન લવર-પ્રો…
જે પોતે છ-છ મહિના સુધી એકટાણું કરીને, પેપ્સી-કોલા પીધા વિના, પિત્ઝા પણ ખાધા વિના, માત્ર મેગી પર જીવીને, પૈસા બચાવીને આઈફોન-૧૭ ખરીદે છે…

(૩) આઈફોન લવર પ્રો-મેક્સ…
જે છ મહિના ભૂખ્યો રહીને, સાડા ત્રણ મહિનાની સેલેરી બચાવીને, ૧૭ કલાક લાઈનમાં ઊભો રહીને આઈફોન-૧૭ ખરીદે છે… અને ગર્લફ્રેન્ડને ગિફ્ટમાં આપી દે છે ! બોલો…

*** 

આજે દેશનું ‘સંઘર્ષ’ કરી રહેલું યુવાધન-માત્ર બે જગ્યાએ જોવા મળે છે. (૧) લોકરક્ષક દળના ભરતીમેળાની લાઈનમાં…. અને (૨) આઈફોન-૧૭ની લાઈનમાં !

ફરક એટલો જ છે કે આઈફોનવાળુ યુવાધન ‘યુવાધન’ નહીં, પણ ‘ધન-યુવા’ છે ! એમાંય, અડધો અડધ યુવા તો ‘ડેડી-ધન’ યુવા છે !

*** 

આજે તમે સારામાંની ભેંશ ખરીદવા જાવ તો પણ આ જ ભાવમાં મળે છે !

પણ સવાલ એ છે કે શું રાત્રે સૂતી વખતે તમે ભેંશને છાતી પાસે લાવીને એમાં મોં ખોસી શકો ખરા ?

- બસ, એટલે જ આજની જેન-ઝિ સ્માર્ટ ગણાય છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments