તમે દુનિયામાં તમારાં આંખ અને કાન (સાથે સાથે મગજ પણ) ખુલ્લાં રાખો તો જાતજાતનું જોવા જેવું મળે છે. જેમ કે…
***
જોવાની વાત એ છે કે કપિલ શર્માના કોમેડી શોમાં ઓડિયન્સ કરતાં જજ લોકો જ વધારે હસ્યા કરતા હોય છે !
***
જોવાની વાત એ પણ છે કે હિન્દી હાસ્ય કવિ સંમેલનોમાં કવિ કરતાં પેલો માઈક સાથે પાછળ બેઠેલો સંચાલક વધારે ભજીયાં મુક્યા કરતો હોય છે !
***
એ જ રીતે ગુજરાતી કવિ સંમેલનોમાં જે સંચાલક હોય છે તે હંમેશાં વધારે સારી શાયરીઓ રજૂ કરતો હોય છે ! (કેમકે એ પોતાની નથી હોતી.)
***
જોવાની વાત એ છે કે મોબાઈલમાં જે સ્ટેન્ડ અપ કોમેડી આવે છે એમાં સૌથી વધુ હસ્યા કરતી હોય તો તે છોકરીઓ જ હોય છે ! એટલું જ નહીં, એમાં કારણ વિના પણ છોકરીઓ જ હસ્યા કરતી હોય છે !
***
એ જ રીતે જોવા જેવી વાત એ છે કે ટીવી સિરિયલમાં કોઈ ડોશી મરી જાય ત્યારે ઘરનાં બૈરાં જેટલું રડે છે એટલું તો એમનાં સગામાં કોઈ વડીલ મરી જાય ત્યારે પણ નથી રડતાં !
***
જોવાની વાત એ છે કે ભારતની ટીમ અભિષેક શર્માની ધૂંઆધાર બેટિંગને કારણે જીતી ગઈ હોય છતાં જેણે ઝીરો રન કર્યા છે અને બબ્બે કેચ છોડ્યા છે એવા પ્લેયરો જીત્યા પછી વધારે જોરજોરથી ઉછળતા હશે !
***
જોવાની વાત એ છે કે દર અઠવાડીયે બબ્બે ત્રણ ત્રણ ગુજરાતી ફિલ્મો રીલીઝ થતી હોય ત્યારે પણ એના વિશે છાપામાં કશું લખાતું નથી…
પણ ક્રિસ્ટોફર લોલાન, ક્વેન્ટીન ટેરેન્ટિનો કે પીટર જેકસન જેવાઓની ફિલ્મો થિયેટરમાં તો શું, ઓટીટીમાં પણ જોવા ના મળતી હોય, તેના વિશે લાંબા લાંબા લેખો છપાય છે !
***
બાકી, આજકાલ જોવાની વાત એટલી જ છે કે જ્યારે જ્યારે ટ્રમ્પ ભારત ઉપર નવા નવા ટેરિફ ઝીંકે છે ત્યારે શેરબજાર તો ગગડી જાય છે પરંતુ ભારત સરકારના ‘નિષ્ણાતો’ ખુલાસો કરે છે કે એનથી ‘બહુ મોટી અસર’ નહીં પડે ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment