નવરાત્રીના પાસમાં અનામત !

ઘણી વાર એવું જોવા મળે છે કે જેને ખરેખર પાસ મળવા જોઈએ એ બિચારા ઠેર ઠેર ફાંફાં મારતાં ફરે છે ! અને જેને કદી પાસ મળવા જ ના જોઈએ એવા લોકો ડઝન-ડઝન પાસ લઈને રોલા મારતા ફરે છે !

અમારી ખાસ અપીલ છે કે પાસમાં પણ ‘અનામત’ હોવી જોઈએ…

*** 

૫૦ ટકા પાસ તો મહિલાઓ માટે જ અનામત હોવા જોઈએ ! કેમકે મહિલાઓ છે તો જ ગરબા ‘જોવાલાયક’ બને છે. બાકી ભાયડાઓ ઠેકડા મારતા હોય એમાં શું દાટ્યું છે ?

*** 

આમ જોવા જાવ તો મહિલાઓમાં પણ ‘સુંદર’ મહિલાઓને ‘પ્રિમિયમ’ પાસ મળવા જોઈએ ! પણ લોચો એ છે કે કોઈ મહિલા ‘સુંદર નથી’ એવું નક્કી કોણ કરે ? એટલે…

*** 

હવે બહુ મહત્વની અનામત કેટેગરીઓ છે…

પાંચ ટકા પાસ કાનના ડોક્ટરો માટે અનામત રાખો ! કેમકે જાયન્ટ સાઈઝના સ્પીકરોમાંથી નીકળતા ખતરનાક સાઉન્ડથી ભલભલાના કાનમાં ધાક પડી જાય છે !

સાલું, છેક બીજા દહાડે સવારે ખબર પડે છે કે ‘યાર, કાનમાં સંભળાતું કેમ નથી ?’

*** 

બીજા પાંચ ટકા પાસ ગળાના ડોક્ટરો માટે અનામત રાખો !
કેમકે એ ભયંકર ઘોંઘાટમાં એકબીજા જોડે માત્ર પંદર જણાને ‘કેમ છો, મજામાં ?’ એટલી જ વાતો કરીએ એમાં તો ગળા છોલાઈ જાય છે !

*** 

પણ ૧૦ ટકા પાસ હાર્ટના ડોક્ટરો માટે અનામત રાખો !
કારણ શું, કે આજની આ ‘જેન-ઝિ’ અને ‘મિલેનિયમ’ જનરેશનોનાં દિલ તૂટવાની અસંખ્ય ઘટનાઓ આ નવરાત્રિમાં (અને ખાસ તો રાત્રિના બાર વાગ્યા પછી) જ બનતી હોય છે !

*** 

અને હલો, ગાયનેકોલોજીસ્ટ ડોક્ટરોનું કોણે પૂછયું ? ભૈશાબ, એમની જરૂર તો એકાદ મહિના પછી પડવાની !

*** 

અને વીસેક ટકા પાસ બિચારા એવા પતિઓ અને પપ્પાઓ માટે અનામત રાખો, જેઓ પત્નીનાં મોટાં મોટાં પર્સ, પત્નીનાં મોબાઈલ અને પત્નીનાં સેન્ડલો સાચવતાં ઊભા રહે છે… અને સાથે સાથે બબ્બે રડતાં બાળકોને પણ સાચવે છે…

- જેથી પત્નીઓ પુરેપુરી છૂટથી ગરબા રમી શકે છે ! જય માતાજી…

***

- મન્નુ શેખચલ્લી

Comments