રણઝણસિંહનું શ્વાન જ્ઞાન !

‘આ રખડતાં કૂતરાંવ વિશે તમારું શું માનવું છે ?’ આખરે અમે અમારા ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ સમાન રણઝણસિંહને પૂછી જ લીધું.

‘મન્નુડા, રખડતાં કૂતરાંવ માટે દેશના બુદ્ધિજીવીઓ અને માનવતાવાદી પ્રાણીપ્રેમીઓને જે ખૂબ જ સહાનુભૂતિ છે ને, ઇનાં બે કારણ છે !’

‘કયાં બે કારણ ?’

‘કારણ એક…’ રણઝણસિંહ બોલ્યા. ‘કૂતરાંવ બવ મોટા અવાજે ભસી શકે છે… અને કારણ બે, ઈ કૂતરાંવ બચકાં ય ભરી શકે છે !’

‘કાંઈ હમજાણું નંઈ.’ અમે માથું ખંજવાળ્યું.

‘જો મન્નુડા, આજે લાખોની સંખ્યામાં મરઘાં, બતકાં, ઘેટાં, બકરાં, ડુક્કર, માછલીયું, વગેરેને બચાવવા માણસ પોતાના ભોજન માટે હણી નાંખે છે, એમને હાટું કે એમની ઉપર થાતી ‘ક્રૂરતા’ અટકાવવા હાટું કેમ કોઈ માઈના લાલા આગળ નથ આવતા ? કેમકે ઈ પશુપક્ષી અને જળચરો ‘ભસી’ નથી શકતાં ! અને કોઈને ‘બચકાં’ય નથી ભરી શકતાં !’

‘આ… તો સાવ અવળચંડુ લોજિક છે, બોસ !’

‘અવળચંડું નંઈ, હાવ હાચું લોજિક છે ! તું જ જો, જે વાઘ, સિંહ, શિયાળ, વરૂ, અજગર, સાપ કે શિયાળવાં જેવાં હિંસક પ્રાણી છે ઈને માણસ કાં તો શહેરમાં રખડવા જ નથી દેતો ! અથવા તો ઈને શહેરનાં પ્રાણીસંગ્રહાલયમાં શોભાના ગાંઠિયા બનાવીને રાખી મુકે છે ! શા માટે ? કેમકે ઈ પ્રાણીયુંને બચકાં ભરતાં આવડે છે ! ડંખ મારતાં આવડે છે !’

‘હા, હોં ? એમને શહેરથી દૂર રાખવા માટે અભયારણ્યો બનાવે છે !’

‘માનવજાત બવ સ્વાર્થી છે મન્નુડા ! પેટ્રોલ-ડિઝલનાં વાહનું આઈવાં એટલે ઘોડાની જરૂર નો રઈ… ટ્રેકટરું આઈવાં અટલે બળદ અને પાડાની જરૂર નો રઈ, ટેમ્પાને લીધે ગધેડાની સંખ્યા ય ઘટી જાવાની ! શા માટે ? કેમકે ઈ ભસતાં ય નથી અને કરડતાં ય નથી !’

‘વાત તો સાચી હોં ?’

‘અટલે જ તું જોતો જા મન્નુડા, આ દુનિયાના માનવીયુંમાં ય, જે પ્રજા મોટેથી ભસતી નથી કે બીજાંવને બચકાં નથી ભરતી ઈ પ્રજા ધીમે ધીમે ખતમ થાતી જાય છે… ખાતરી નો થાતી હોય તો ભારતના બે પડોશી દેશમાં જ નજર કરી લે !’

હવે અમે રણઝણસિંહને નવો સવાલ કરવાનું માંડી વાળ્યું. કેમકે જવાબમાં રણઝણસિંહ જે બોલે એ આ દેશના બુદ્ધિજીવી, માનવતાવાદી અને પ્રાણી પ્રેમીઓને તો ગમશે જ નહીં !

***

- મન્નુ શેખચલ્લી

Comments