નવરાત્રીના નાસ્તા ગરબા !

હવે નવરાત્રિમાં નવો રિવાજ શરૂ થયો છે, નાસ્તાનો ! પહેલાં તો કોમર્શિયલ ગરબામાં નાસ્તાના સ્ટોલ હતા, પણ હવે તો સોસાયટીઓમાં રાતના બાર વાગે એટલે નાસ્તો આવે છે !
આમાં જે આપણી મહિલાઓની ‘દશા’ થાય છે એના  જ ગરબા સાંભળો… 

*** 

નાસ્તો કરું કરું ને ભૂખી થાઉં
કેલેરી કંટ્રોલ કરું ને વધી જાય

હોરે… હોરે…
મારી સોસાયટીમાં નાસ્તા થાય
રોજરોજ રોજ નવી આઈટમ ખવાય
ક્યારેક ભજીયાં આવે
ક્યારેક કચોરી ચાટ
ક્યારેક ઈડલી સંભાર
તો કદી ભેળ ભારોભાર !
મારી જીભડીમાં કંઈકંઈ થાય !
નાસ્તો કરું કરું ને…

*** 

ગરબે ગ્યાં તાં રે
બેની અમે પાસવાળાં
નાસ્તામા લપસી જીભ
‘વેઈટ’ હવે વધવાનાં રે !

આજ અમે ગ્યાં તાં…
ડાયેટિશીયનની હાટ જો
ત્યાં દીઠી મોમોઝની ડીશ
‘વેઈટ’ હવે વધવાનાં રે !

આજ અમે ગ્યાં તાં…
જિમ ટ્રેનરની દુકાન જો
પછી ખાધી બર્ગરની ડીશ
‘વેઈટ’ કેમ ઘટવાનાં રે  ?

*** 

ઘોર અંધારી રે રાતલડીમાં
નાસ્તા આવ્યા ચાર…

પહેલે નાસ્તે રે કોણ આવે
એ બૈરાંનો અવતાર !
ઓ આન્ટીઓ માશીઓ રે
ઓટલે બેઠાં ખાજો આખી રાત !

બીજે નાસ્તે રે કોણ આવે
એ સિનિયર જન કહેવાય
ઓ અંકલ કાકાઓ રે
મફતનું ખાઈને ખોદજો આખી રાત !

*** 

ખિચું ખાઉં તો
મારી દાઢે ચોંટી જાય…
રબડી ખાઉં તો
મને ઘેન ચડી જાય…

ઓરે છબિલી તને આમ કેમ થાય
સીધી ઊભી રે’ કેમ વાંકચૂકી થાય

અલ્યા...
શું રે કહું ? તને ના સમજાય
ગેસનો ગોટો ઉપર ચડી જાય
લૂઝ મોશનથી ગડડ-ગડડ થાય !

***

- મન્નુ શેખચલ્લી

Comments