લાગે છે કે પાકિસ્તાનને પોતાની ઇજ્જતના ધજાગરા કરાવ્યા વિના ચેન જ પડતું નથી ! ભારતીય ટીમે એમની ટીમ સાથે હાથ ના મિલાવ્યા એમાં તો રીસાઈ ગયા ! બોયકોટ કરવાની ધમકી પણ આપી !
યુએઈ સામેની મેચમાં આ રીસામણાં દોઢ કલાક સુધી ચાલ્યાં ! છેવટે ઝખ મારીને રમવા આવ્યા !
- અને આપણને મજાકનો મસાલો મળી ગયો… ફ્રીમાં !
***
કહે છે કે પાકિસ્તાની ટીમના ખેલાડીઓના ભોજનમાં હવે એક નવી પરમેનેન્ટ આઈટમ ઉમેરાઈ રહી છે... ‘ઇજ્જતનો ફાલુદો’!
***
વાત એમ નહોતી કે એમને મેચ રેફ્રી તરીકે એન્ડી પાયક્રોફ્ટ નહોતા જોઈતા... બલ્કે એમને તમામ મેચમાં રેફ્રી તરીકે ‘ટ્રમ્પ’ જોઈતા હતા !
***
પાક. ક્રિકેટરોની વાનને હોટલથી ઉપડવામાં દોઢ કલાક લેટ શા માટે થયું ? કેમકે ટ્રમ્પને શંકા હતી કે વાનની ટાંકીમાં ‘રશિયન ઓઇલ’હતું !
***
છેવટે દૂબઈના ડોન દાઉદભાઈનો કડક ફોન આવ્યો કે ‘યે ક્યા નૌટંકી ચલ રૈલી હૈ ? હમારે ક્રિકેટ સટ્ટા કે પંટર લોગ કે બૈઠે બૈઠે કંટાલ ગૈલે હૈં ! અભી ચૂપચાપ હોટલ સે નિકલ લો... વરના...’
***
જોકે અંદરની વાત એમ હતી કે સટ્ટો બે વાત ઉપર લાગ્યો હતો ! પહેલો સટ્ટો એ વાત ઉપર ખુલ્યો હતો કે પાક. ટીમ ઝખ મારીને મેદાનમાં રમવા ઉતરશે કે નહીં ?
આ સટ્ટામાં તમામ પૈસા ‘ઝખ મારીને ઉતરશે જ !’ઉપર લાગી રહ્યા હતા ! એટલે સટ્ટો કેન્સલ કરવો પડ્યો...
જોકે બીજો સટ્ટો પાક.નાં આ રોદણા ‘કેટલા કલાક’ચાલશે એની ઉપર હતો !
***
પાકિસ્તાનનું ક્રિકેટ બોર્ડ બહુ મોટો બિઝનેસ કરવાનું ચૂકી ગયું ! જો એમણે આ દોઢ કલાકનાં નાટકનું લાઈવ ટેલિકાસ્ટ માત્ર પાકિસ્તાનમાં કર્યું હોત તો જબરદસ્ત વ્યુઅરશીપ મળી હોત !
(પછી ભલેને વધુ બસ્સો ત્રણસો ટીવી તૂટી ગયાં હોત ?)
***
એક અફવા એવી છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીઓ ગુપ્ત રીતે બે ડઝન ‘નવાં પ્લાસ્ટિકનાં નાક’નો ઓર્ડર આપ્યો છે... કેમકે એમનાં પોતાના નાક તો પોતે જ કાપીને બેઠા છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment