મમ્મીના ખાસ 'સબ્જેક્ટો' !

દુનિયામાં ભલે મોટી મોટી યુનિવર્સિટીઓ ખુલી જાય.. ભલે અઘરા અઘરા શબ્દોમાં પીએચડો થતી હોય… પરંતુ દરેક પ્રકારના ‘સબ્જેક્ટો’માં મમ્મીની અલગ જ માસ્ટરી હોય છે ! જુઓ… એના ક્લાસિસ બાળપણથી જ શરૂ થઈ જાય છે !

*** 

મમ્મીનું ઇકોનોમિક્સ :

‘તને ખબર છે, આ શાક કેટલું મોંઘું છે ? ચૂપચાપ ખાઈ જા !’

‘ચોકલેટો કંઈ મફતમાં નથી આવતી !’

‘રોજ પાંચ પાંચ રૂપિયાનાં રબ્બરો ક્યાં ખોઈ આવે છે !’

*** 

મમ્મીનું શરીરશાસ્ત્ર :

‘તારી આંખો છે કે બટન ?’

‘કેમ તારા હાથ પગ ભાંગી ગયા છે ? સ્કૂલેથી આવીને પોતાનું દફતર ઠેકાણે મુકતાં હાથમાં કાંટા લાગે છે ?’

‘આટલું બધું ખાઈશ તો પેટ ફાટી જશે !’

‘આ છોકરાને પગમાં ભમરો છે !’

‘શું કહ્યું, ગળું બેસી ગયું છે ? તો કહેવું જોઈએ ને ?’

*** 

મમ્મીનું તર્કશાસ્ત્ર (લોજિક) :

‘હવે મોં બંધ રાખ, અને બધું જ ખાવાનું ખાઈ જા !’
(તમે કહો મોઢું બંધ રાખીને શી રીતે ખાવાનું ખવાય ?)

‘તારા શર્ટના કોલર પાછળ તો જો ? કેટલા ડાઘા પડ્યા છે ?’
(બોલો, પીઠ ઉફર આંખો ક્યાંથી ઉગાડવાની ?)

‘મેં તને હજાર વાર કહ્યું છે કે મારી આગળ બહુ બઢાવી ચઢાવીને કોઈ વાત નહીં કરવાની !’
(જોયું ? પોતે તો જરાય બઢાવી ચઢાવીને બોલતાં જ નથી.)

‘મેં તને કીધું ને, એટલે !’
(બોલો, આમા લોજિક ક્યાં આવ્યું?)

*** 

મમ્મીની ફિલોસોફી :

‘ઠીક છે, હમણાં તારે જેટલં હસવું હોય એટલું હસી લે, પણ પછી તારે રડવાનુ જ છે !’

‘મારી વાત યાદ રાખજે… તું એક દિવસ બહુ પસ્તાઈશ !’

‘આ દુનિયામાં તને મદદ કરવા માટે કોઈ આવવાનું નથી… જાતે ઇસ્ત્રી કરતાં શીખ !’

(અને આ અલ્ટિમેટ ફિલોસોફીકલ સત્ય છે…)
‘આ તો તું નસીબદાર છે કે તને મારા જેવી મમ્મી મળી છે !’

***

- મન્નુ શેખચલ્લી

Comments