આજે દુનિયામાં કોઈ સૌથી મોટો ‘ઇન્ફ્લુએન્સર’ હોય તો તે ટ્રમ્પ સાહેબ છે ! આખી દુનિયાના તમામ દેશો એની તરંગી ટેરિફો અને અવળચંડી વાણીથી ખળભળી ઉઠ્યા છે !
જરા કલ્પના કરો કે જો ટ્રમ્પનો આત્મા ભૂતકાળના અમુક મહાત્માઓમાં ઘૂસી ગયો હોત તો ?...
***
નેપોલિયનમાં ટ્રમ્પનો આત્મા…
નેપોલિયનના શરીરમાં જો ટ્રમ્પનો આત્મા ઘૂસી ગયો હોત તો ‘વોટર-લૂ’ના યુધ્ધ પહેલાં જ તેણે પોતાના લશ્કરમાંથી અડધો અડધ સૈનિકો ‘સાવ નક્કામા’ છે એમ કહીને કાઢી મુક્યા હોત !
એટલું જ નહીં, હજી યુદ્ધ શરૂ થાય એ પહેલાં જ ટ્રમ્પે ‘યુદ્ધવિરામ’ કરાવી નાંખ્યો હોત ! અને પછી કોઈ રૂપાળી લલના સાથે રંગરેલીયાં મનાવતાં નિવેદન કર્યું હોત :
‘નથિંગ ઇઝ ઇમ્પોસિબલ !’
***
લિંકનમાં ટ્રમ્પનો આત્મા…
જો ટ્રમ્પનો આત્મા રખડતો ભમતો ક્યાંક અબ્રાહમ લિંકનના ખોળિયામાં ઘૂસી ગયો હોત તો લોકો આજે લિંકનના ખ્યાતનામ વિધાનને આ રીતે યાદ રાખતા હોત :
‘ઓફ કોર્સ, તમે થોડા લોકોને ઘણા સમય માટે અને ઘણા લોકોને થોડા સમય માટે મુરખ બનાવી જ શકો છો ! પરંતુ જો તમારે ઘણા લોકોને ઘણા સમય સુધી મુરખ બનાવવા હોય તો ચોવીસે કલાક જુઠ્ઠું બોલતા રહો અને દર અડતાળીસ કલાકે એમાં પણ ‘યુ-ટર્ન’ મારતા રહો !’
***
કોલંબસમાં ટ્રમ્પનો આત્મા…
કોલંબસે તો ઇન્ડિયા શોધવા જતાં ભૂલભૂલમાં અમેરિકા શોધી કાઢ્યું હતું ! પણ જો શરીરમાં ટ્રમ્પનો આત્મા હોત તો કોલંબસ કહેતો હોત :
‘મેં જ આખી પૃથ્વીની શોધ કરી છે ! જો હું ના હોત તો પૃથ્વી સાવ ‘ડેડ’ હોત… પૃથ્વીએ મારો આભાર માનવો જોઈએ કેમકે સૂર્ય, ચંદ્ર, તારાઓ વગેરેને હું જ પૃથ્વી માટે ખેંચી લાવ્યો છું !’
***
ન્યુટનમાં ટ્રમ્પનો આત્મા…
‘મેં સફરજનના પડવા ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે ! મેં ગુરુત્વાકર્ષણના નિયમને પણ બાન કરી દીધો છે ! આવતા મહિનાની ૧૫મી તારીખથી હું સાયન્સ ઉપર ૧૫૦ ટકા ટેરિફ લગાડવાનો છું… આઈ વોન્ટ ટુ મેક સ્ટુપિડીટી ગ્રેટ અગેઈન !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment