હાલમાં જે સંસદ ભવનનું સત્ર ચાલી રહ્યું છે એ ભલે પણને બોરિંગ લાગતું હોય, અને ભલે સાંસદોને પણ કંટાળો આવતો હશે, પરંતુ અમુક સાંસદો એવોર્ડને લાયક હોય છે ! જુઓ…
***
મોસ્ટ એબસન્ટ સાંસદ :
આખા વરસ દરમ્યાન જે સાંસદ સૌથી વધુ વાર ‘ઘેર-હાજર’ રહ્યા હોય એમને ખાસ ‘હાજર કરીને’ આ એવોર્ડ આપો !
***
મોસ્ટ અસ્લીપ સાંસદ :
સંસદ ભવનમાં જેણે સૌથી વધુ કલાકોની મીઠી નીંદર માણી હોય (અને કેમેરામાં ઝડપાયા પણ ના હોય) એવા સાંસદને ‘જગાડીને’ આ એવોર્ડ આપો !
***
મોસ્ટ ‘ખાઉ’ સાંસદ :
ના ના ! લાંચ રુશ્વતની વાત નથી ! કૌભાંડની પણ વાત નથી ! (કેમકે એમાં તો ઉમેદવારો કેટલા બધા વધી જાય ?) આ તો સંસદ ભવનની કેન્ટિનમાં જેણે ગરીબોને પણ સસ્તા લાગે એવા ભાવની વાનગીઓ સૌથી વધુ ખાધી હોય એમને ‘અનલિમિટેડ-થાળી’માં મુકીને આ એવોર્ડ આપો !
***
મોસ્ટ ‘નિર્દોષ’ સાંસદ :
જુઓ, આપણી પ્રજાએ આ વખતે પુરા ૩૯ ટકા જેટલા ક્રિમિનલોને ચૂંટીને ત્યાં સંસદમાં બેસાડ્યા છે ! હવે આખા વરસમાં કેટલા સાંસદોના કેસ ચાલ્યા ?। કોને સજા થઈ ?... ટુંકમાં જે ક્રિમિનલ સાંસદના રેકોર્ડમાં એકપણ નવો ઉમેરો ના થયો હોય એમને ‘નિર્દોષ’ એવોર્ડ આપો !
ભલે એનો ભવ્ય સમારંભ કોઈ જેલમાં રાખો !
***
મોસ્ટ ‘એકશન’ સાંસદ :
બૂમબરાડા પાડવા, વેલમાં ધસી જવું, કોઈને ધીબેડી નાંખવા, ટીંગાટોળી સાથે બહાર જવું… આવી ‘એકશન’થી ભરપૂર હરકતો જેના નામે સૌથી વધારે હોય એને ‘ખભે બેસાડીને’ આ એવોર્ડ આપો !
***
મોસ્ટ ‘મોંઘેરા’ સાંસદ :
જો ફરી પાછા તમે ઊંધુ સમજ્યા ! અરે સાહેબો, સંસદનો પોતાનો ‘ભાવ’ નથી પૂછવાનો ! અહીં તો મોદી સાહેબ કે સોનિયાજી જેવાં અમુક એવા સાંસદો છે જે ‘મોંઘેરા મહેમાન’ની જેમ ક્યારેક જ પધારે છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment