‘એલા, હું સુ કવ છું ? આ દેવ પોઢી અગિયારસ અટલે સું ?’
‘બકા, ઇમાં એવું હોય કે શ્રાવણ મહિનાની જે સુદ અગિયારસ આવે ને, ઇ દિવસથી દેવ લોકો સૂઈ જાય !’
‘સૂઈ જાય ? સ્વર્ગમાં ?’
‘તો ક્યાં, નરકમાં જાય, સુવા હાટું ?’
‘એમ નંઈ, પછી એક ઓલી દેવ ઊઠી અગિયારસેય આવે છે ને ?’
‘હા, ઈ આવે કારતક મહિનામાં ! કારતક સુદ પૂનમ અટલે દેવદિવાળી.’
‘અચ્છા… અટલે દેવ લોકો ન્યાં સ્વર્ગમાં ફટાકડા ફોડે, ઇમ ?’
‘તે હાળું, ન્યાં સ્વર્ગમાં ફટાકડા ફોડે તો ન્યાં પણ પોલ્યુસન તો થાતું જ હઈશે ને ?’
‘એવું નો હોય ગાન્ડા ! ઈ દેવ લોકોના ફટાકડા નોઈઝ-લેસ આવે ! ને ઉપરથી સ્મોક-લેસ ! અવાજે ય નો આવે ને ધૂમાડા ય નો નીકળે !’
‘આવું બધું તને ક્યાંથી ખબર ? તું સ્વર્ગલોકમાં જ્યાયવો છે ?’
‘તારે ઈ જાણીને હું કામ છે ?’
‘કારણ કે તારાં લખ્ખણ જોતાં તું નરકલોને જ લાયક છે !’
અમારી રાજકોટની અમૃતનગર સોસાયટીના કોમન પ્લોટમાં નવરી બજાર બેઠી હતી. એમાં બેઠેલી નવરીધૂપ પ્રજા શ્રાવણ મહિનામાં આવી પંચાત કરતી બેઠી હતી ત્યાં અમારી સોસાયટીમાં રહેતા કનુદાદા આવ્યા :
‘એલા, આયં તમે નવરા બેઠાં વાત્યુંનાં વડાં કરો છો, પણ જરીક કોઈને એમ ચંત્યા (ચિંતા) થાય છે ? કે હજી લગી તમારાં કાકી પાછાં કેમ નો આઈવા ?’
અમારાં કાકી એટલે કનુદાદાના ધર્મપત્ની યાને કે કંચનકાકી. એ ક્યા ગયાં હતા અને ક્યાંથી હજી પાછાં નથી આવ્યાં એની કોઈને ખાસ ખબર નહોતી.
‘કંચનકાકી ? ઇ વળી ક્યાં ગ્યાં છે ?’
‘આ હમણાં તમે જેની પંચાત કરતા’તા ને, ઈ દેવોનાં દરશન કરવા ! આજે નાળિયેરી પૂનમ છે, ભૂલી ગ્યા ? તમારાં કાકી મને કિયે કે હું ઘડીક અંબાજી માતાના મંદિર દરશન કરીને આવું છું. મેં કીધું, આયાં નજીકમાં ક્યાંય અંબામાંનું મંદિર નથી. ઓલું મંદિર છે ન્યાં જતાં આવોને, આમેય શ્રાવણ મહિનામાં તો મહાદેવજીનો જ મહિમા કે’વાયને ? પણ હું છે, તમારાં કાકી એકવાર કોઈ વાતનો તંત ઝાલે પછી ઈ ઝટ મુકે જ નંઈ ને ? આ તો હું છું, કે તમારાં કાકીને આટઆટલાં વરહથી સહન કરતો આઈવો છું. બાકી બીજો કોક હોત તો, ક્યારનો ઘર છોડીને બાવો. બની ગ્યો હોત..’
અમારા કનુદાદાની આ જ તકલીફ ! મૂળ વાત શું હતી એ ભૂલી જાય અને પછી આખી વાત આડા પાટે ચડી જાય !
‘મેં મહાદેવજીના મંદિરનું નામ લીધું એટલે તારા કાકીનું છટક્યું ! કારણ સું, કે ઈ રઈ અંબા માતાની પાક્કી ભક્તાણી ! ચૈતર મહિનાનાં નવે નવ નોરતાંમાં નક્કોરડાં ઉપવાસ કરે… ઈ કરે તો કરે… મને હાવ ભૂખ્યો રાખે ! હવે તમે તો જાણો છો કે મને મારા પેટમાં કાંઈ નો જાય તો ગોટો ચડે ! ગોટો ચડીને વાયુ મગજમાં વયો જાય તો હાળું તાળવું એવું તપી જાય કે ના પૂછો વાત ! હવે આ ગોટાનો મેં ઘણોય ઈલાજ કઈરો… કાંઈ કેટલાય દાગતરોને બતાઈવું, કાંઈ કેટલાય ઓશડિયાં ખાધાં… પણ આ ગોટાનું દરદ ઝાલ્યું ઝલાતું નથી, બાપ…’
કનુદાદાની ગાડી પાટા પરથી ઉતરી ગઈ એટલે જુવાનિયાઓએ એમને યાદ કરાવ્યું :
‘કનુદાદા, તમારા ગોટાનો ઘાણ પછી ઉતારજો, પહેલાં ઈ ક્યો કે કંચનકાકીને ગયે કેટલી વાર થઈ ?’
‘અરે દોઢ કલ્લાક થઈ ગ્યો મારા વ્હાલીડાવ ! હવે મારે ઈને ગોતવી યે કેમ કરીને ? આ ઉંમરે મારાં ઘુટણિયાં યે વેરી થઈ ગ્યાં છે બાપલિયા ! ઓલા ભજનમાં કીધું છે ને કે… ઘડપણ કોણે રે મોકલાવિયું રે લોલ…’
અમારા કનુદાદાની આ બીજી આદત છે ! એમને જ્યાં લાગ મળે ત્યાં પોતાનો ડાયરો ચાલુ કરી દેતા હોય છે ! કનુદાદા નવું ભજન લલકારે એ પહેલાં સોસાયટીના જુવાનિયાઓએ કહ્યું :
‘તમે ચિંતા ના કરો દાદા ! હમણાં ને હમણાં અમારામાંથી બે જણ મહાદેવજીના મંદિરે જઈને તપાસ કરી લાવે છે ! આ કંચનકાકી નાનાં કીકલાં થોડાં છે કે ક્યાંક ખોવાઈ જાતાં હઈશે ?’
મામલો અરજન્ટ હતો. ઉપરથી રક્ષાબંધનની રજા પણ હતી એટલે બે નહિ પણ ચાર જણા મારતા સ્કુટરે અમારી સોસાયટીથી થોડે દૂર આવેલા મહાદેવજીના મંદિરે પહોંચ્યા.
અમારા ચારે બહાદૂરોએ મંદિરે પહોંચતાની સાથે જ પૂછપરછ ચાલુ કરી દીધી. ‘કોઈ ઘરડાં માજીને આંયાં ક્યાંક જોયાં ?’ ‘હાથમાં પૂજાની થાળી હતી, આંખે જાડા ચશ્મા હતાં.’ ‘એમનું નામ કંચનકાકી છે, ઈ અમારા કનુદાદાનાં ઘેરથી થાય…’ વગેરે.
અમારા રાજકોટની પબ્લિકની સૌથી સારી વાત એ છે કે લગભગ દરેક જણ તમને મદદ કરવા તૈયાર જ હોય ! સરવાળે થયું એવું કે જે દસ જણાએ કહ્યું કે ‘હા, આ બાજુ જતાં જોયાં હતાં…’ એ દસે-દસ દિશાઓ અલગ અલગ હતી !
હવે કરવું શું ? અમારી સોસાયટીના ચાર ચતૂરોએ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જવાનું નક્કી કર્યું, પણ સવાલ એ હતો કે કંચનકાકીનો ફોટો કોની પાસે હોય ? એટલે બંને સ્કુટરો અમારી સોસાયટીમાં ધોયેલા મૂળાની માફક પાછાં પધાર્યાં.
કનુદાદાને ફોટાને પૂછ્યું તો કહેવા લાગ્યા ‘આમ તો તારી કાકીનો ફોટો મારા દલડામાં જ લઈને ફરું છું, મારા વ્હાલીડાવ ! પણ ઓલ્યા ફોટા પાડવાવારો મોબાઈલ હું રાખતો નથી, ને ઘરમાં જે અમારાં લગ્ન વખતે પડાઈવો ’તો ઈ ફોટો તો તમારી કાકીએ હાચવીને કિયા પટારામાં રાઈખો છે ઈ મને ક્યાંથી ખબર હોય ? કારણ સું, કે ઓલ્યા ભજનમાં કીધું છે ને કે… એકલા જ આઈવા મનવા… એકલા જાવાના…’
આ બાજુ કનુદાદાનું ભજન પુરું થાય એમ લાગતું નહોતું. પણ પેલી બાજુ ખરેખર શું થયું હતું ?
વાત એમ હતી કે કંચનકાકીના મનમાં ‘અંબાજીનું મંદિર’ ભરાઈ ગયું હતું ! એવામાં ક્યાંકથી બૂમ પડી :
‘એ હાલો ! અંબાજીવાળાં…’
એ તરફ એક લકઝરી બસ ઊભી હતી. બૂમ પડતાંની સાથે અમુક લોકો ફટાફટ એ બસમાં ચડવા લાગ્યાં. કંચનકાકીને થયું કે આ સેવાભાવી લકઝરીવાળો નાળિયેરી પૂનમના તહેવારે સૌને જુદાં જુદાં મંદિરે દર્શન કરાવવા લઈ જતો લાગે છે. એટલે તે લકઝરીમાં બેસી ગયાં !
લકઝરી ઉપડી… પણ રાજકોટની જુદી જુદી ગલીઓમાંથી નીકળી રહી હતી ત્યાં કંચનકાકીને થયું કે ‘આ કઈ બાજુ હાઈલી જાય છે ?’
એમણે પૂછ્યું ‘આ બસ અંબાજીના મંદિરે જ જાય છે ને ?’
‘હા માજી ! અંબાજી જ જાય છે !’
હકીકતમાં એ બસ રાજકોટથી છેક અંબાજી જઈ રહી હતી ! કંચનકાકીએ વારંવાર પૂછ્યું ‘અલ્યા ભાઈ. આ અંબાજીના મંદિરે જ જાય છે ને ?’
દર વખતે જવાબ મળતો. ‘માજી, ચિંતા નો કરો ! અંબાજી જ જાય છે !’
છેવટે જ્યારે બસ શહેર છોડીને હાઈવે પર પહોંચી ત્યારે કંચનકાકીને ફાળ પડી ! એમણે રાડારાડ કરી મુકી. ‘અલ્યા, મારે અંબાજી નથ જાવું !’
જોકે ‘અંબાજી’ અને ‘અંબાજીનું મંદિર’ એનો ફરક સમજાવતાં વધુ દસ મિનીટ નીકળી ગઈ !
છેવટે આખો ગોટાળો સમજાતાં એ લોકોએ કંચનકાકીને રસ્તામાં ઉતાર્યા ! એટલું જ નહીં, અમુક લોકોએ હાઈ-વે પર ફરી રહેલા એકાદ છકડામાં એમને બેસાડ્યા અને અમારી સોસાયટીનું સરનામું સમજાવીને રવાના કર્યાં.
અમારા કંચનકાકી જ્યારે હેમખેમ અમારી સોસાયટીના નાકે પધાર્યા અને સૌએ ‘ફાળો’ કરીને પેલા છકડાવાળાને ૩૦૦ રૂપિયાનું ભાડું ચૂકવ્યું પછી પણ કંચનકાકીની ફરિયાદ તો ઊભી જ હતી :
‘આટઆટલું ફેરવીને મને ઘિરે (ઘરે) લાઈવી, પણ તમારા દાદા મને અંબાજી માતાના મંદિરે તો નો જ લઈ ગ્યા !’
***
(કથાબીજ : મહેશભાઈ રાયચુરા- રાજકોટ)
વાચક મિત્રો, આપના ધ્યાનમાં આ પ્રકારના રમૂજી કિસ્સા હોય તો તે પત્ર દ્વારા અથવા ઈમેલ કરીને મોકલી શકો છો.
ઇમેઇલ : havamagolibar@gujaratsamachar.com
પત્ર માટે : ગુજરાત સમાચાર કાર્યાલય, ખાનપુર, અમદાવાદ-૧
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment