ક્યારેક લાગે છે કે અમેરિકામાં ચૂંટણી પહેલાં મોદી સાહેબ અમેરિકા ગયા હતા ત્યારે કમલા હેરિસને તો મળ્યા હતા પણ ટ્રમ્પ સાહેબને મળવાનું તો દૂર, ફોન પણ નહોતો કર્યો તેનું ટ્રમ્પ વેર વાળી રહ્યા છે !
કેમકે ભારત ઉપર ૨૫ ટકા ઉપરાંત બીજા ૧૫ ટકા ટેરિફ લગાડવામાં અમુક સાવ સ્ટુપિડ ‘બમ્પ’ (ગતિ અવરોધક) છે ! જેમકે…
***
યુક્રેનને યુદ્ધ કરવા માટે ઉશ્કેર્યું કોણે ? યુરોપ અને અમેરિકાએ… બરોબર ?
યુક્રેનને યુધ્ધ કરવા માટે શસ્ત્રો કોણે આપ્યાં ? યુરોપ અને અમેરિકાએ, બરોબર ?
યુક્રેનને યુદ્ધ માટે બેફામ નાણાંકીય મદદ કોણે કરી ? યુરોપ અને અમેરિકાએ, બરોબર ?
પણ યુક્રેનનાં યુદ્ધમાં જે લોકો મરી રહ્યા છે એમાં ટ્રમ્પ વાંક કોનો કાઢે છે ?
- ભારતનો !
***
અમેરિકાનું સૌથી મોટું દુશ્મન કોણ છે ? રશિયા… રાઈટ ?
હવે જુઓ ટ્રમ્પે ટેરિફ કોના કોના પર કેટલી લગાડી છે ?
યુરોપિયન યુનિયન ૨૦ ટકા, ચીન ૩૪ ટકા, જાપાન ૪૯ ટકા, થાઈલેન્ડ ૩૬ ટકા, કંબોડિયા ૨૫ ટકા… અને ભારત ઉપર ૨૫ ટકા ઉપરાંત રશિયા સાથે ધંધો કરવા બદલ વધારાના ૧૫ ટકા…
અને રશિયા ઉપર ? ઝીરો ટકા વધારો !
બોલો, હજી તમે એમ જ માનો છો કે રશિયા અમેરિકાનું દુશ્મન છે ?
***
ટ્રમ્પ પહેલી વાર પ્રેસિડેન્ટ બન્યા ત્યારે અમેરિકામાં એવા ફેકન્યુઝ ચાલ્યા હતા કે પુતિને જ ટ્રમ્પને જીતાડવામાં ગુપ્ત રીતે મદદ કરી હતી !
- બોલો, હવે એ ન્યુઝ સાચા લાગે છે ને?
***
ટ્રમ્પ જે ટેરિફ નાંખી રહ્યા છે તેને ‘રિસેપ્રોકલ’ ટેરિફ કહે છે…
અને ‘રેસિપ્રોકલ’નો અર્થ થાય છે : ‘પરસ્પર’ ! હવે બોલો, આમાં ‘પરસ્પર’ શું છે ?
***
અચ્છા ૨૦૨૦-૨૧માં અમેરિકામાં કોરોના વાયરસથી પાંચ લાખ લોકો કેમ મરી ગયા હતા ખબર છે ?
- કેમકે તે વખતે કોરોના ઉપર કોઈ ‘ટેરિફ’ નહોતો !
***
અમેરિકામાં આયાત થતા માલ પર ટેરિફ વધતાં લગભગ ૫૦ ટકા ચીજોના ભાવ વધી જશે. સરવાળે અમેરિકામાં મોંઘવારી ખૂબ જ વધી જશે. બરાબર ?
તો એનાથી બચવા શું કરવું પડે ? એ જ ચીજો અમેરિકામાં બનાવવી પડે !
પરંતુ એ તો હજી પણ મોંઘી પડશે ! કેમકે અમેરિકામાં અમેરિકન મજુરોને બહુ વધારે પગાર આપવો પડે છે.
તો એનો બેસ્ટ રસ્તો શું છે ?
ભારતથી સસ્તા મજુરો મંગાવો !! હાહાહા…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment