દક્ષિણ ગુજરાતમાં વાંસદા પાસે અમારા લીમઝર ગામમાં જિતુભાઈનો બહુ મોટો વટ. એક બાજુ ‘ડેન્સો’ (લાકડાં વહેરવાનો બેન્ડ-સો) ચાલે, તો બીજી બાજુ સરકારી કોન્ટ્રાક્ટોનું કામ ચાલે.
અમારા આ જિતુભાઈ એકવાર કોઈ કામસર ગાંધીનગર ગયેલા ત્યાં જોઈ આવ્યા કે મોટા મોટા વીઆઈપી લોકો પોતાના ઘરમાં ‘ફોરેન’નાં કૂતરાં રાખે ! જિતુભાઈને પણ થયું ‘હાહરીનું, એકાદ ધજમજેનું કૂતરું આપડે હો લાવવા જોયે ! એની બેનને વટ પડીયા કરે, જો !’
પણ વાંસદા જેવા અંતરિયાળ વિસ્તારમાં વળી વિદેશી કૂતરાં ક્યાં મળવાના હતા ? એવામાં ક્યાંકથી ખબર પડી કે ‘નવસારીમાં એક પારસી આવાં કૂતરાં રાખતો છે, ને વેચતો બી છે !’
જિતુભાઈ પોતાની કાર લઈને ગયા અને ભાવતાલ કર્યા પછી એક વિદેશી ‘ડોગી’ લઈ આવ્યા ! પણ આ શું ?
ગામવાળા ‘ડોગી’ને જોઈને કહે ‘જિતુભાઈ આવું કેવું કતરું ઊંચકી લાઈવા ? આને તો હહરીની પૂંછડી જ નીં મલે !’
જિતુભાઈ ગામના લોકોને ઉતારી પાડતાં કહે ‘હારાંઓ… તમુને ફોરેનનાં કૂતરામાં હું હમજ પડે ? ઉલ્ટું, પૂછડી વગરનાં કૂતરાં બો’ ચગરાં (ચાલાક) આવે !'
‘અચ્છા ?’ એકાદ જુવાનિયાએ પૂછ્યું ‘તો એ બે પગે ચાલી બતલાવે કે ? આપડે સેકિંન માગીએ તો એ સેકિન આપે કે ?’
(આ ‘સેકિન’ એટલે શેક-હેન્ડ મારા ભાઈ !)
બીજાએ પૂછ્યું ‘ઘરમાં જો ચોરી થેઈ તો એ ચોરની ગંધ પરથી ચોરને પકડી પાડે કે ?’ ત્રીજાએ કીધું ‘ફોરેનવારાં કૂતરાં તો ઘેટાં હો ચારવા લેઈ જાય ! જિતુભાઈ, તમારી ભેંસને ચરવા આ લેઈ જાહે કે ?’
જિતુભાઈ બગડ્યા ‘હારા તમે લોકો ગમારના ગમાર જ રે’વાના ! આ કંઈ સરકસનાં કૂતરાં થોડાં છે. આને તો હાય-બ્રીડ કે’વાય હાય-બ્રીડ !’
‘જિતુભાઈ એનું નામ હું પાઈડું ?’
‘બોની !’ જિતુભાઈએ ગર્વથી કહ્યું. પણ ગામવાળાઓને એ કંઈ જીભે ચડ્યું નહીં. બધા તેને ‘બાંડી’જ કહેતા !
હા, એ કૂતરો નહીં કૂતરી હતી ! એની પાછળ જિતુભાઈનું આખું ગણિત હતું : ‘હહરીના એક એક કૂતરાં વીહ-પચ્ચી હજારનાં આવે… તો નર કૂતરો લાવીને હું મલવાનું ? જો કૂતરી ઓ’ય તો એનાં બચ્ચાં હો આવે કે નીં ? ભાઈ, એક એક બચ્ચું છ-છ હજારમાં વેચાય !’
જિતુભાઈ ‘બોની’ને ઘરમાં લઈ તો આવ્યા પણ એ કૂતરી જરા વધારે પડતી ‘એગ્રેસીવ’ નીકળી ! જિતુભાઈના બંગલા સામે જો કોઈ પોતાનું વાહન મુકે, ભલેને મોટો ટેમ્પો હોય, બાઈક હોય કે નાની અમથી સાઈકલ… એ ભસી ભસીને તમને મુકવા જ ના દે !
એમાંય, જો તમે જિતુભાઈના બંગલાના ઓટલે તમારી ચંપલ કાઢી તો તો આવી જ બન્યું સમજવું ! એ ‘બોની’ ઉર્ફે ‘બાંડી’ ઝપ્પ કરતી ત્રાટકે અને ચંપલને મોંમાં ઝાલીને ક્યાંની ક્યાંય નાસી જાય ! પછી ખાસ્સી પંદર વીસ મિનીટે પાછી આવે ત્યારે તેણે તમારી ચંપલના ચીંથરા કરી નાંખ્યા હોય !
આવું જ બીજું એક ગતકડું કરતી… જો જિતુભાઈ કે જિતુભાઈના ઘરનું કોઈપણ માણસ બહારની કોઈ વ્યક્તિને હાથમાં કંઈ ‘આપે’ એટલે બોની રાડારાડ મચાવી દે ! પછી એ વસ્તુ રોટલો હોય, ચાવી હોય કે સાવ નકામી ચબરખી કેમ નથી!
જોકે આ ગતકડું તો મનોરંજન તરીકે ચાલી જતું પણ ‘બોની’ જિતુભાઈના ડેન્સામાં લાકડાં ઉતારવા કે ભરવા માટે જે કોઈ ખટારો આવે તેની સાથે કંઈ દુશ્મની હોય તેમ ભસ્યા જ કરે ! (ખટારાનો અવાજ ચાલુ હોય ત્યાં સુધી)
એ તો ઠીક, ખટારામાંથી જે ડ્રાઈવર ઉતરે એને તો બચકાં જ ભરવા દોડે ! માંડ માંડ ગળે બાંધેલા પટ્ટા વડે બોનીને દૂર રાખવી પડે.
આના કારણે જિતુભાઈને એવું લાગ્યું કે ‘આમાં તો ડેન્સોનો ધંધો બગડી ચાઈલો ! આનું કંઈ કરવા પડહે..’
આમ પણ જિતુભાઈના મગજમાં ચોંટી ગયેલું કે ‘એ બે પગે ચાલે કે ? એ ‘સેકિન’ કરે કે ?’ એવામાં કોઈ ખબર લાવ્યું કે વલસાડમાં એક ‘ડોગી ટ્રેનિંગ સેન્ટર’ છે. ત્યાં આવું બધું શીખવાડે છે.
જિતુભાઈ અને એમનાં પત્ની, જેણે બોનીને પેલું મોંઘું ડોગફૂડ ખવડાવવાને બદલે રોટલા અને ચીખલીનાં પ્રખ્યાત મામણાં ખાતી કરી દીધી હતી, તેમને થયું ‘હારી વાત તો હાચી ! બોની જો સેકીન કરતાં હીખી જાય, તો ખટારાનાં ડ્રાયવરનો ભોંહતી (ભસતી) હો બંધ થાય ! જીરીક ટ્રેનિંગ આપવા જેવી ખરી…’
એટલે એક દિવસ કારમાં બોનીને બેસાડીને પેલા વલસાડના ટ્રેનિંગ સેન્ટરમાં મુકી આવ્યા. જોકે માત્ર એક મહિનાની ચાર હજાર રૂપિયાની ફી જિતુભાઈને ‘ચચરી’ તો હતી પણ ગામમાં વટ અને ડેન્સોનો ધંધો… બંનેનો સવાલ હતો.
પરંતુ હજી દસ દિવસ નથી થયા ત્યાં ટ્રેનિંગ સેન્ટરથી ફોન આવ્યો. ‘જિતુભાઈ, તમારી બોનીને લેઈ જવા પડહે, કેમકે તે માંદી પડેલી છે… ખાતી જ નીં મલે !’
જિતુભાઈ અને ભાભી મારતી કારે ત્યાં પહોંચી ગયા. અહીં જેવી બોનીને તેમની સામે લાવીને છોડી… ત્યારે તો આંખોમાં આંસુ આવી જાય એવો સીન થઈ ગયો !
બોની પહેલાં તો ગુસ્સે થઈને ઉછળી ઉછળી એટલું બધું ભસી કે જાણે ‘મને અહીં એકલીને કેમ મૂકી ગયેલા ?’ અને પછી રડી રડીને બંનેના પગમાં ક્યાંય લગી આળોટતી રહી !
આંખે આવી ગયેલાં આંસુ લૂછતાં પતિ-પત્ની બંનેને થયું કે ‘ખાડામા જાય એનું ‘સેકીન’ કરવાનું, ને તેલ લેવા જાય એનું બે પગે ચાલવાનું !’ પેલા ટ્રેનિંગ સેન્ટરવાળાએ બાકીના રૂપિયા પાછા આપવાની ઓફર કરી છતાં જિતુભાઈએ ના પાડી દીધી અને બોનીને ઘરે લઈ આવ્યા.
જોકે લીમઝર ગામે પાછા આવ્યા પછી અમારા જિતુભાઈનો વેપારી જીવડો જાગી ઉઠ્યો. સૌથી પહેલું કામ તો એ કર્યું કે ડેન્સોના એક માણસને ડ્યૂટી સોંપી દીધી કે, ‘એની બેનને, બોની જો ખટારાના ડ્રાયવર પર ભોંહવા લાગે કે કડવા દોડે (ભસવા લાગે કે કરડવા દોડે) તો તારે હોટીએ કરીને (સોટી વડે) બોનીને મારિયા જ કરવાની ! હું હમઈજો ?’
આ પ્રોબ્લેમ તો પંદરેક દિવસમાં સોલ્વ થઈ ગયો. હવે બાકી હતું બોનીનાં બચ્ચાં વડે પ્રોફીટ બુક કરવાનું કામ ! તો ભાદરવો બેસતાંની સાથે જ જિતુભાઈ દર ત્રીજે ચોથે દહાડે બોનીને કારમાં બેસાડીને નવસારીમાં પેલા પારસીને ત્યાં ‘મેટિંગ’ કરાવવા લઈ જાય ! પારસી પણ બેટો ગણત્રીબાજ, એટલે દરેક ‘મેટિંગ સેશન’ના ૨૦૦ રૂપિયા કઢાવી લે !
આમ કરતાં બોની ‘ગાભણી’ થઈ ગઈ ત્યારે જિતુભાઈ હરખાઈ રહ્યા હતા કે ‘જો ચાર બચ્ચાં આઈવાં તો છ ચોકુ ચોવી હજ્જાર… ને એ જ રીતે આવતા વરહે હો બીજા ચોવી હજ્જાર…’
પણ આ શું ? જ્યારે બોનીને બચ્ચાં થયાં તો એમાં ચારેચાર પૂંછડીવાળાં ! ઉપરથી રંગ પણ દેશી !
આવું શી રીતે થયું ? તો વાત એમ હતી કે ‘બોની’ નામની સુંદરી કંઈ આખો દહાડો ઘરમાં ભરાઈને તો બેસી નહોતી રહેતી ! એમાં ને એમાં ફળિયાના દિલફેંક કૂતરા કળા કરી ગયેલા !
આખરે હવે જિતુભાઈને આ સોદો મોંઘો લાગવા લાગ્યો. પણ હવે થાય શું ? ન તો બોની ‘સેકિન’ કરતાં શીખી, ન તો બે પગે ‘ચાલી બતલાવતી’ થઈ કે ન તો એને ‘હાઈ-બ્રીડવારાં’ બચ્ચાં થયાં !
આમાં બે વરસ પછી નવી ઉપાધિ ઉમેરાઈ… બોની માંદી પડી ! ક્યારેક ઉલટીઓ થાય, ક્યારેક ખેંચ આવતી હોય તેમ લાગે, ખાવાનું ન ખાય, ગૂમસૂમ પડી રહે…
જિતુભાઈ એને વાંસદાના ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટર કહે, 'આમાં તો તમારે કૂતરાંના સ્પેશીયાલીસ્ટને જ બતલાવવા પડે ! તમે તેને નવસારી લેઈ જાવો.’
વાંસદાના ડોક્ટરે આપેલા રેફરન્સ મુજબ જિતુભાઈ બોનીને કારમાં બેસાડીને લઈ ગયા ત્યારે ખબર પડી કે બોનીને ‘ડાયાબિટીસ’ છે ! ઉપરથી ‘લીવર’માં સોજો પણ છે ! અને કદાચ ‘પથરી’ પણ હોઈ શકે !
‘એની બેનને…હહરીનાં કૂતરામાં હો આપણાં માણહ જેવાં રોગ થવા લાઈગા ?’ જિતુભાઈને તો નવાઈ લાગી.
પણ જ્યારે ‘એક ઇન્જેક્શનના ૧૫૦૦ રૂપિયા અને એવાં પંદર ઇન્જેક્શનો મુકાવવાં પડશે’ એવું સાંભળ્યું ત્યારે એમનું વેપારી દિમાગ ચકડોળે ચડવા લાગ્યું.
‘હહરીની બોની તો બો’મોંઘી પડવાની !’
એમાંય, બોનીને આંતરે દિવસે કારમા બેસાડીને ઇન્જેક્શન મુકાવવા લઈ જવું પડે !
કંટાળીને એક દિવસે જિતુભાઈએ‘દાવ’કર્યો. બોનીને હાઈવે પર જ ક્યાંક ઉતારીને કાર ભગાવી મુકી ! ઘરે આવીને બહાનું કાઢ્યું કે ‘મેં તો ચાય પીવા ઉતરેલો, એટલામાં તે કાં ચાલી ગેઈ તેની ખબર જ નીં પડી…’
પણ એ બહાનું બાર કલાક પણ ટક્યું નહીં ! બીજા દિવસે સવારે બોની ઘરે આવીને ઊભી હતી ! અને સીન પહેલાં જેવો જ હતો…
પહેલાં તો એ સખ્ખત ગુસ્સો કરીને એટલું બધું ભસી કે જાણે ‘મને મુકીને કેમ ચાઈલો આવેલો ?’ અને પછી ભાભીના પગમાં આળોટીને ક્યાંય સુધી રડતી રહી !
બિચારો જિતુભાઈ પણ આ જોઈને રડે…
એ પછી તો બોની ઉર્ફે ‘બાંડી’ છેક ઘરડી થઈને મરી ત્યં સુધી અમારા લીમઝરમાં જ હતી !
***
(કથાબીજ : મોહનલાલ હળપતિ - સુરત)
Comments
Post a Comment