હવે અમુક પ્રકારની ફિક્સ ભાણાં જેવી ફોર્મ્યુલા ફિલ્મો આવતી જ બંધ થઈ ગઈ છે ! જેમકે… ‘ડાકુઓની ફિલ્મો’, ‘તવાયફોની સ્ટોરી’, ‘મેરે બાપ કા કાતિલ’… ‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’…
પરંતુ હલો, એ ફોર્મ્ય્લાઓ ફિલ્મમાંથી નીકળીને ક્યાં પહોંચી ગઈ છે તે જાણીને તમે ચોંકી જશો !
***
‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’
બે ભાઈઓ બાળપણમાં કુંભના મેળામાં છૂટા પડી જાય… વરસો પછી મળે… પરંતુ એકબીજાને ઓળખી ના શકે… છેવટે બંને ભેગા થઈ જાય ! રાઈટ ?
આજ ફોર્મ્યુલા આજકાલ મહારાષ્ટ્રમાં ચાલી રહી છે ! ઉદ્ધવ ઠાકરો અને રાજ ઠાકરે પુરેપુરા વીસ વરસના વ્હાણાં વાયા પછી ભેગા થયા છે ! બોલો.
***
‘તવાયફો’ની ફોર્મ્યુલા
એ ફિલ્મોમાં બિચારી હિરોઈન માત્ર નાચવા ગાવાના વ્યવસાયમાં હોવાને કારણે ‘બદનામ’ ગણાતી હતી ! પછી એકાદ ભણેલો ગણેલો સુધરેલા સમાજનો હિરો તેના પ્રેમમાં પડે ! વગેરે…
આજે તમે જુઓ તો મનોરંજન ઉદ્યોગમાંથી હિરોઈનો સીધી રાજકારણી બની જાય છે ! જેમકે, કંગના રાણાવતી, મિમિ ચક્રવર્તી, નૂસરત જહાં, સ્મૃતિ ઇરાની વગેરે પરંતુ એમને બીજા ખડૂસ નેતાઓ ઝટ સ્વીકારતા નથી !
***
‘ડાકુ’ ફોર્મ્યુલા…
છેલ્લે ‘શોલે’ જેવી ફિલ્મમાં ડાકુ ગબ્બર સિંહ આવ્યો તે આવ્યો… પછી ફિલ્મમાંથી ડાકુઓ ભલે ગાયબ થઈ ગયા પણ એ જ ટાઈપના હત્યારાઓ, બળાત્કારીઓ, ગુન્ડાઓ અને ક્રિમિનલો સંસદમાં ચૂંટાઈને બેઠા છે ! કેમકે મૂળ ફોર્મ્યુલા તો હજી હિટ જ છે…
***
‘પૂર્વજન્મ’ની ફોર્મ્યુલા…
આગલા જનમમાં થયેલા અન્યાયનો બદલો લેવા માટે ‘કરણ-અર્જુન’ કે ‘ઓમ શાંતિ ઓમ’ બની ગઈ… પણ હવે ?
હવે આ જ જનમમાં નેતાઓ પોતાનો ‘અવતાર’ બદલી નાંખે છે ! કોંગ્રેસી મટીને ભાજપી બની જાય છે ! એમાંય રાહુલબાબા તો કમ સે કમ દસેક વાર નવા સ્વરૂપે ‘રિ-લોન્ચ’ થઈ ચૂક્યા છે !
એ જ રીતે મોદી સાહેબ સામાન્ય માનવીમાંથી ‘નોન-બાયોલોજિકલ’ બની ચૂક્યા છે… જય હો પ્રભુનો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment