નવું બાળપણ... જુનું બાળપણ... !

આજે સિનિયર સિટીઝનો થઈ ચૂકેલા લોકો સોશિયલ મિડીયામાં બાળપણને યાદ કરીને બહુ સેન્ટિમેન્ટલ થઈ જાય છે… પણ વડીલો, આજનાં બાળકોની સરખામણીમાં આપણું બાળપણ કેવું હતું ?

*** 

આજના બાળકોને પંદર-વીસ હજારનો મોબાઈલ માગ્યા વિના મળી જાય છતાં મોઢું ચડેલું હોય છે… ‘આઈફોન કેમ ન આપ્યો..’

જ્યારે આપણને તો નોટ ઉપર નવાં પૂંઠાં ચડાવવા મળે તોય રાજીના રેડ થઈ જતા હતા !

*** 

આજનાં ટેણિયાંને બર્થ-ડેમાં બબ્બે ડઝન ફુગ્ગા મળે છે ! બે ચાર ફૂટી જાય તોય કંઈ ફેર પડતો નથી…

અને આપણો ‘એકનો એક’ ફૂગ્ગો ફૂટી જાય તો એના રબ્બરમાંથી નાના નાની ‘ટોટી’ઓ બનાવીને કપાળમાં ફોડવાની, શી ખબર, શું મજા આવતી હતી ?!

*** 

આજની સ્કૂલનાં છોકરાંને સાતમા આઠમા ધોરણમાં આવે એટલે તો નવી સ્કુટી મળી જાય છે !

અને આપણે ? રવિવારની બપોરે ભાડાની સાઈકલ ચલાવવા માટે ચાર આના મળી જાય એમાં તો ચાર-ચાર છોકરાં એક કલાક માટે આસમાનમાં ઉડતાં હતાં !

*** 

આજનાં છોકરાંઓ માટે કંપાસ બોક્સો સાત જાતના આવે છે. બોલપેનો બાર જાતની અને પેન્સિલો પંદર જાતની આવે છે…

અને આપણે ? પતરાના કંપાસબોક્સ પર ‘તબલાં’ વાગીડને ગાયનો ગાતા હતા ! અને હા, કંપાસમાં એક ‘અણિયું’ આવતું હતું ! જેનો ઉપયોગ ભૂમિતિમાં નહીં પણ મારામારી માટે જ થતો હતો !

*** 

આજનાં છોકરાં મોબાઈલમાં સળંગ ચાર ચાર કલાક લગી ‘બેઠાં બેઠાં’ ગેઈમો રમે છે… એમાં તો ‘થાકી’ જાય છે !

અને આપણે ? એક ‘પૈંડુ’ લઈને આખી બપોર રખડતા હતા છતાં થાકવાનું છોડો, ‘ધરાતા’ નહોતા !

*** 

બસ, એક જ ફરક છે…

વાળ કપાવવા જઈએ ત્યારે સલૂનવાળો પેલા મશીન વડે આપણા વાળ બોચી ઉપરથી અને લમણાં ઉપરથી ‘છોલી’ નાંખતો હતો ત્યારે આપણે કેટલું રડતા હતા ?

અને સાલી, આજે એ જ ‘ફેશન’ ગણાય છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments