રોડ, ખાડા અને ફોટા !

એક દિવસ મંત્રીજીએ જાહેર કર્યું કે, ‘તમારા વિસ્તારના રોડ પર ખાડો પડ્યો હોય તો ફોટા પાડીને અમને મોકલી આપો… અમે કાર્યવાહી કરીશું….’

પછી શું થયું ? જુઓ…

*** 

‘મંત્રીજી, આ જુઓ…’

સાહેબના આસિસ્ટન્ટે કોમ્પ્યુટરમાં બતાડ્યું. ‘આ એક ભાઈએ એક સામટા એક હજાર બસ્સો ને પાંત્રીસ ખાડાના ફોટા મોકલી આપ્યા છે !’

‘કોઈ નવરો માણસ લાગે છે ! આખા શહેરમાં ફરી ફરીને ફોટા પાડ્યા લાગે છે.’

‘ના સાહેબ ! એક જ રોડના ફોટા છે !’

‘હેં ?’

‘હા ! એક જ રોડ ઉપર એક હજાર બસ્સો ને પાંત્રીસ ખાડા પડ્યા છે !’

*** 

મંત્રીજીએ હુકમ કર્યો ‘એવું તો હોતું હશે ? કોઈ પ્રોફેશનલ ફોટોગ્રાફરને કહો કે એ રોડના ખાડાના ફોટા પાડીને મોકલે.’

બીજા દિવસે આસિસ્ટન્ટે કહ્યું ‘સાહેબ, આ એક જ ફોટો આવ્યો છે !’

‘જોયું ? મેં નહોતું કીધું ?’

‘હા, પણ ડ્રોન વડે પાડેલા આ એક હાઈ રિસોલ્યુશન ફોટામાં ખાડા વધારે છે.’

‘કેટલા છે ?’

‘એટલા જ છે ! એક હજાર બસ્સો ને પાંત્રીસ !’

મંત્રીજી હવે ટેન્શનમાં…

*** 

ત્યાં તો એ પછીના દિવસે આસિસ્ટન્ટ દોડતો આવ્યો : ‘ખુશશબરી છે, સાહેબ ખુશખબરી !’

‘શું છે, ખુશખબરી?’

‘સર, હવે ત્યાં એક પણ ખાડો નથી !’

‘વાહ ! જોયું, આપણું તંત્ર કેટલું ઝડપી કામ કરે છે !’

‘એવું નથી સર.’

‘તો ?’

‘સર, ગઈકાલે રાત્રે જે ત્રણ ઇંચ નવો વરસાદ પડ્યોને, એમાં કરોડોના ખર્ચે બનેલો આખો રોડ જ ધોવાઈને વહી ગયો છે !’

***

- મન્નુ શેખચલ્લી

Comments